જિલ્લા પંચાયત સુરત આયોજીત સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલપાડ તાલુકાની ટીમ ચેમ્પિયન બની
ફરજનિષ્ઠ કર્મચારીઓ રમત ક્ષેત્રે પોતાની પ્રતિભા ઉજાગર કરે તે આ ટુર્નામેન્ટનો શુભ આશય : ડો.દિપકભાઇ દરજી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત સંલગ્ન વિવિધ શાખાઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓ માટે સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા પંચાયત, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું . આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા, ઓલપાડ, કામરેજ, ઉમરપાડા, પલસાણા અને બારડોલી મળી કુલ છ તાલુકાની ટીમોએ સહર્ષ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટનાં ઉદઘાટક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપકભાઇ દરજીએ જણાવ્યું હતું કે ખૂબજ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતાં કર્મચારીઓ રમત ક્ષેત્રે પોતાની પ્રતિભા ઉજાગર કરે તે આ ટુર્નામેન્ટનો શુભ આશય છે. તેમનાં મનનીય ઉદબોધનને તમામ ખેલાડીઓએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધું હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વસાવા, હિસાબી અધિકારી મોરડીયા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, એના ક્રિકેટ ગ્રાઉન્ડ ઓર્ગેનાઈઝર અતુલભાઈ પટેલ, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તથા બીટ નિરીક્ષકો ઉપરાંત જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લાનાં વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલ ટુર્નામેન્ટની લીગ મેચો અને સેમી ફાઈનલ બાદ ફાઇનલ મુકાબલો પલસાણા તાલુકાનાં નયનરમ્ય સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, એના ખાતે રાત્રિ પ્રકાશમાં ઓલપાડ અને કામરેજ તાલુકા વચ્ચે યોજાયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં કામરેજ તાલુકાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 90 રન કર્યા હતાં. આ લક્ષ્યાંકને ઓલપાડ તાલુકાની ટીમે 13 ઓવરમાં 6 વિકેટ ગુમાવી ચેઝ કર્યો હતો. આમ ઓલપાડ તાલુકાની ટીમ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટનાં અંતે કામરેજ તાલુકાની SRP વાવ પ્રાથમિક શાળાનાં શિક્ષક ગોવિંદ પટેલ ‘બેસ્ટ બેટસમેન’ તરીકે અને ઓરણા પ્રાથમિક શાળાનાં શિક્ષક દિવ્યેશ પટેલ ‘બેસ્ટ ફિલ્ડર’ તરીકે જાહેર થયા હતાં. જ્યારે ઓલપાડનાં કરંજ PHC નાં ભાવેશ પટેલ ‘બેસ્ટ બોલર’ ઉપરાંત ‘મેન ઓફ ધી મેચ’ ઘોષિત થયા હતાં. અંતમાં ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વિજેતાઓને ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ સહિત સહયોગી નામી અનામીઓનો આદરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.