સુરત શહેરને અડીને આવેલ સરોલી પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સરોલી પ્રાથમિક શાળામાં ગામનાં સરપંચ શ્રીમતી સ્મિતાબેન પટેલની અધ્યક્ષતામાં ધોરણ-8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસ.એમ.સી.અધ્યક્ષ શ્રીમતી રાધાબેન પટેલ, સરોલી સાંઈ ટ્રસ્ટ મંડળનાં પ્રમુખ નગીનભાઈ પટેલ તથા ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ, ગ્રામ પંચાયત સભ્યો, એસ.એમ.સી.સભ્યો તેમજ વાલીજનોએ ઉપસ્થિત રહીને બાળકોને વધુ અભ્યાસ અર્થે પ્રોત્સાહિત કર્યા હતાં.
શાળાનાં આચાર્ય ભરતભાઇ ટેલરે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં બાળકોને જણાવ્યું કે ‘આંખોમે નીંદ બહુત હે પર સોના નહીં હૈ, યહી ઉમ્ર હે કુછ મેરે બચ્ચો ઇસે ખોના નહીં હૈ.’ તેમણે ઉમેર્યું હતું કે આપણામાં ઘણી ક્ષમતા રહેલી છે, તેને બહાર કાઢી સફળ થવાનું છે. જ્યારે તમે ધોરણ-1 માં પ્રવેશ લીધો હતો ત્યારે શાળામાં ન આવવા આંખોમાં આંસુ આવતા હતાં અને આજે શાળામાંથી ન જવા માટે આંખો ભારે થઈ છે.
આ તકે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ પણ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી હતી. શાળા પરિવાર તરફથી વિદાય લેતાં દરેક બાળકોને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. અંતમાં અલ્પાહાર સાથે સૌનો આભાર વ્યક્ત કરી સમારંભ આટોપાયો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.