જિલ્લા પંચાયત સુરત દ્વારા કર્મચારીઓની સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી
(પ્રતિનિધ દ્વારા, સુરત ) : જિલ્લા પંચાયત સંલગ્ન વિવિધ શાખાઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓ માટે એક સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ HNV ક્રિકેટ ગ્રાઉન્ડ, માસમા તા. ઓલપાડ ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયત સુરત આયોજીત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા, ઓલપાડ, કામરેજ, ઉમરપાડા, પલસાણા અને બારડોલી મળી કુલ છ તાલુકાની ટીમોએ સહર્ષ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટનાં ઉદ્દઘાટન પ્રસંગે સૌને સંબોધતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપકભાઇ દરજીએ જણાવ્યું હતું કે આવા વિશિષ્ટ આયોજન થકી કર્મચારીઓ તેનાં રૂટિન કાર્યબોજથી હળવાફલ થશે, સાથેજ કર્મચારી-કર્મચારી વચ્ચે નવા સંબંધો પ્રસ્થાપિત થશે, તેમનાં વચ્ચે આત્મીયતા અને ભાઈચારો કેળવાશે જેનાથી તેમનામાં કાર્ય કરવાનું ચોકકસ નવું બળ ઉમેરાશે. સદર ટુર્નામેન્ટ માણવા સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વસાવા, હિસાબી અધિકારી મોરડીયા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલ તથા મહામંત્રી કુલદીપસિંહ ઉપરાંત જિલ્લા તથા તાલુકા પ્રાથમિક સંઘનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
ટુર્નામેન્ટની લીગ મેચો બાદ પ્રથમ સેમી ફાઈનલ મહુવા અને ઓલપાડ તાલુકા વચ્ચે રમાઈ હતી. જેમાં ઓલપાડ તાલુકાનો વિજય થયો હતો. જયારે બીજી સેમી ફાઈનલ કામરેજ અને બારડોલી તાલુકા વચ્ચે રમાઈ હતી. જેમાં કામરેજ તાલુકાનો વિજય થયો હતો. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રેટર તરીકેની સેવા વેલુક પ્રાથમિક શાળાનાં શિક્ષક મયૂર પરમાર અને દિનકર પટેલે આપી હતી.
અંતમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે સૌ ખેલાડીઓને ઉર્જાવાન શબ્દો દ્વારા પ્રોત્સાહિત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ આગામી દિવસોમાં એના ક્રિકેટ ગ્રાઉન્ડ તા.પલસાણા ખાતે રાત્રિ પ્રકાશમાં યોજાશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.