“ખેડૂતોને પગભર બનાવીશું તો જ આપણે વિકાસના પંથે આગળ વધી શકીશું.”- રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ
રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના-૨૦૨૩-૨૪ અંતર્ગત સોનગઢ તાલુકાની આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
………………..
કોટવાડિયા સમાજ વિજ કનેકશન અને આવાસથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અનુરોધ કરતા રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ
…………………
સોનગઢ તાલુકા માટે વર્ષ-૨૦૨૩-૨૪ના રૂ. ૭૬૫.૮૯ લાખની સંભવિત જોગવાઇ અને આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી રચનાત્મક સુચનો કરાયા
…………………
માહિતી બ્યુરો, તાપી, તા.૨૫: અધિક કલેક્ટર અને પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી સોનગઢ, તાપી દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના-૨૦૨૩-૨૪ અંતર્ગત આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને તથા પ્રાયોજના વહિવટદારશ્રી અંકિતા પરમારની ઉપસ્થિતીમાં સોનગઢ તાલુકાની આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી.
અધ્યક્ષસ્થાનેથી રાજ્યમંત્રીશ્રી કુંવરજીએ ખેડૂતોની ખાસ હિમાયત કરતા જણાવ્યુ હતું કે, ખેડૂતોને પગભર બનાવીશું તો જ આપણે વિકાસના પંથે આગળ વધી શકીશું. તેમણે સિંચાઇના કામોને પ્રાધાન્યતા આપી નવા કામો મંજુર કરવા, ઉનાળા દરમિયાન સર્વે કરી કુવા રિચાર્જ અને નવા કુવા માટે મંજુરી આપવા, તથા કોઇ પણ કામનું રીપીટેશનના થાય તેની ખાસ તકેદારી રાખવા સુચનો કર્યા હતા. સંવેદનશીલ મંત્રીશ્રીએ કોટવાડિયા સમાજ વિજ કનેકશન અને આવાસથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓને સુચનો કર્યા હતા. અંતે તેમણે સમયમર્યાદામાં કામો પુરા કરવા અને કામોના અંતે વિવિધ મંત્રીશ્રીઓ સહિત પદાધિકારીઓના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીએ પ્રગતિ હેઠળના કામોની હાલની પરિસ્થિતિનો તાગ મેળવી કામોને યોગ્ય કેટેગરીમાં મુકવા, વિવિધ ગામોમાં બોર અંગેના કામોમા અમલીકરણ એજન્સીઓને નિમવા અંગે, તથા કમિટી જે નામો સુચવે તે જ લાભાર્થીઓ નક્કી કરવા, તથા પદાધિકારીઓને યોગ્ય માહિતી સાથે અવગત થઇ કોઇને પણ ગેરમાર્ગે ન દોરવા તાકીદ કર્યા હતા.
બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી અંકિતા પરમાર દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી મંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌને ન્યુ ગુજરાત પેટર્ન ૨૦૨૩-૨૪ અમલીકરણ વાઇઝ કામોની સમિક્ષા અંગે વિગતવાર માહિતી આપી હતી. આ સાથે સોનગઢ તાલુકા માટે વર્ષ-૨૦૨૩-૨૪ના રૂપિયા ૭૬૫.૮૯ લાખની સંભવિત કુલ જોગવાઇ અને આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા.
આ બેઠકમાં મંત્રીશ્રીના વરદ હસ્તે જીટીડીસી વિભાગ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને વકીલાત માટે, તબેલો બનાવવા અંગે અને વિદેશ અભ્યાસ માટેના લોન મંજુરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
બેઠકમાં વિવિધ પદાધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
00000000000