વ્યારા ખાતે વિશ્વ ક્ષય દિવસની શાનદાર ઉજવણી

Contact News Publisher

વ્યારા જનરલ હોસ્પિટલ, ક્ષય કેન્દ્ર અને જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે વ્યારા નગરમાં ”ટીબી હારેગા દેશ જીતેગા“ તથા Yes WE CAN END TB ના નારા સાથે વ્યારા નગરમાં રેલી કાઢી ટીબી મુક્ત ભારત બનાવવા લોકજાગૃતિનો સંદેશ આપ્યો તથા આરોગ્ય કર્મીઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કર્યા

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૪- તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે સીવીલ સર્જનશ્રી ડો.નૈતિક ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજરોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાંથી ટીબીને નાબુદ કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે વ્યારા જનરલ હોસ્પિટલ,ક્ષય કેન્દ્ર અને જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે વ્યારા નગરમાં ”ટીબી હારેગા દેશ જીતેગા“તથા Yes WE CAN END TB ના નારા સાથે વ્યારા નગરમાં રેલી કાઢી ટીબી મુક્ત ભારત બનાવવા લોકજાગૃતિનો સંદેશ આપ્યો હતો. તેમજ ડોકટરો સહિત આરોગ્ય કર્મીઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
સીવીલ સર્જનશ્રી ડો.નૈતિક ચૌધરીએ આરોગ્યના તમામ કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાંથી ટીબી નાબુદ કરવા માટે આપણે સૌએ જાગૃતિ ફેલાવવાની છે. ક્ષય રોગ સમયસર સારવાર લેવાથી નિદાન થઈ શકે છે. ખાસ કરીને ઈન્ફેકશન કંટ્રોલ માટે સ્વચ્છતા ખૂબ મહત્વની છે. જેનાથી ટીબી કંટ્રોલ થાય છે. જેથી દરેક ઘરોમાં સ્વચ્છતા જળવાય તે માટે સૌએ પ્રયાસ કરવો. આપણે સૌ સમાજ સાથે ભેગા મળીને આપણા જિલ્લા,રાજ્ય તેમજ ભારત દેશને ટીબી મુક્ત બનાવીશું.
જિલ્લા ક્ષય અધિકારી ડો.રાજુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ટીબી ચેપી હોવાથી ફેલાઈ શકે છે. પરંતુ નિયમિત સારવાર લેવાથી સો ટકા ટીબી મટાડી શકાય છે. સમગ્ર વિશ્વમાં નોંધાયેલા આંકડા મુજબ ભારતમાં ૨૭ લાખ કેસ પૈકી ૪ થી ૫ લાખ મૃત્યુ થયા છે. ગુજરાતમાં સરેરાશ દરરોજ ૧૦ થી ૧૫ મૃત્યુ થાય છે. છેલ્લા ૩ વર્ષમાં ૧૮ હજાર મૃત્યુ થયા છે.જેના પરથી આપણે કલ્પના કરવી રહી કે ટીબી કેટલો ગંભીર રોગ છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આપણે જન આંદોલન કરીને પણ ટીબીને નાબુદ કરવાનો છે. તાપી જિલલાના દરેક સેન્ટરો ઉપર આરોગ્ય કેમ્પ યોજાશે, તથા ટીબીના દર્દીઓને દવાની સાથે ન્યુટ્રીશન ખોરાક પણ આપવામાં આવશે.
ડો.અભિષેક ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. ડો.ધનસુખ ગામીતે પણ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે સમાજના તમામ લોકોને ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. વિશ્વ ક્ષય દિવસ ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ કામગીરી કરનાર પાયાના કર્મચારી થી લઈને ડોકટરોને પણ પ્રશસ્તિપત્ર આપી તેઓની કામગીરીને મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લાના તમામ મેડિકલ ઓફિસરો,આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ હેલ્થ વર્કરોએ ઉત્સાહભેર જોડાઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમુલ ભાઈએ કર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *