જિલ્લા કક્ષાનાં ગ્રામ્ય કલા અને સાંસ્કૃતિક મહોત્સવમાં કુદિયાણા પ્રાથમિક શાળાનાં બાળકો ઝળક્યા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત આયોજીત જિલ્લા કક્ષાનો ગ્રામ્ય કલા અને સાંસ્કૃતિક મહોત્સવ BAPS સ્વામિનારાયણ મંદિર, સાંકરી તા.બારડોલી મુકામે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓનાં તાલુકા કક્ષાએ વિજેતા બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. શિક્ષણની સાથોસાથ કલા, સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી ઓલપાડ તાલુકાની કુદિયાણા પ્રાથમિક શાળાનાં બાળકોએ અહીં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ ઓલપાડ તાલુકાનું નામ રોશન કર્યું હતું.
સદર મહોત્સવમાં આદિવાસી નૃત્ય, પ્રાદેશિક લોકનૃત્ય, અભિનયગીત, દેશભક્તિગીત, લોકગીત, રાસ, ગરબા, નિબંધ લેખન, ચિત્રકલા, રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જે પૈકી શાળાએ રાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે વ્યક્તિગત સ્પર્ધાઓ પૈકી ચિત્રકલા (ધો.-૫થી૮)માં જય નવીનભાઈ પટેલ, સુલેખન (ધો.-૩થી૪)માં યશવી કિરીટભાઈ પટેલ પ્રથમ ક્રમે તથા બાળવાર્તા (ધો.-૧થી૨)માં જીયાન અશોકભાઈ પટેલ તેમજ વક્તૃત્વ સ્પર્ધા (ધો.-૫થી૮)માં પાર્થ દિલીપભાઈ પટેલે અનુક્રમે દ્વિતીય અને તૃતિય ક્રમે વિજેતા બની ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી હતી. વિજેતા બાળકોને મંચસ્થ સંતો, મહંતો તથા મહાનુભવોનાં હસ્તે સ્મૃતિભેટ તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં વિજેતા સ્પર્ધકો સહિત તમામ તાલુકાનાં બાળ કલાકારોને શબ્દગુચ્છ દ્વારા પ્રોત્સાહિત કર્યા હતાં.
સમગ્ર ઓલપાડ તાલુકાનું નામ રોશન કરનાર આ બાળ પ્રતિભાઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, શાળાનાં આચાર્ય વિનોદ પટેલ તથા સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર હેમાલી પટેલ તથા સમસ્ત કુદિયાણા ગ્રામજનોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.