ઓલપાડની મીરજાપોર પ્રાથમિક શાળામાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને શ્રધ્ધાસુમન અર્પણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : 23 માર્ચે ત્રણ સ્વાતંત્ર્યસેનાની ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાનાં પ્રાણનાં બલિદાન આપ્યા હતાં. આ ક્રાંતિકારીઓનો દેશદાઝ આજે પણ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે. આ જ કારણે દેશમાં દર વર્ષે 23 માર્ચનાં રોજ આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસ ઉજવવામાં આવે છે.
આજનાં આ શહીદ દિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત મીરજાપોર પ્રાથમિક શાળામાં ભારતનાં આ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં બાળકો, શિક્ષકો સહિત એસ.એમ.સી. સભ્યોએ શહીદોની તસવીર સમક્ષ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. શાળાનાં આચાર્ય શ્રીમતી અંજના પટેલે બાળકોને આ ત્રણેય સપૂતોની વીરગાથા વર્ણવી હતી. શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી સોનલ બ્રહ્મભટ્ટનાં માર્ગદર્શન હેઠળ ધોરણ ૬ થી ૮ નાં બાળકોની વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ આઝાદી અંગેનાં પોતાનાં મૌલિક વક્તવ્યો રજૂ કર્યા હતાં. આ સાથે ઉપશિક્ષિકા શ્રીમતી ખુશ્બુ દેસાઈ તથા જ્યોતિ પટેલે પ્રેરણાત્મક ઉદબોધન કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other