નિરાધાર મહિલાઓનો આર્થિક આધાર એટલે” ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના”

Contact News Publisher

પતિના અવસાન બાદ સરકારશ્રીની દર મહિને મળતી રૂ. ૧૨૫૦ ની સહાય મારા માટે મૂલ્યવાન છે – આશાબહેન આહિર (યોજનાકીય લાભાર્થી-અનુસૂચિત જાતિ)
………………
આશાબહેનની આપવિતી આંખો નમ કરનારી : પતિના અવસાન બાદ ત્રણ દીકરીઓની આવી પડેલી જવાબદારીઓના કારણે મજબૂત બની, નહીંતર ક્યારની ઢળી પડતી, નવી શરૂઆત કરવા માટે સરકારશ્રીની યોજના મારા માટે સહારો બની
………………
રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાએ તાપી જિલ્લાની કુલ ૩૪૪૬ નિરાધાર બહેનોને જીવનની નવી શરૂઆત કરવાની રાહ ચિંધી આપી
………………

આલેખન – સંગીતા ડી. ચૌધરી

માહીતી બ્યુરો,તાપી તા.૨૩ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ થકી આજે ગુજરાતની વણથંભી વિકાસયાત્રામાં મહિલાઓ પુરુષો સાથે ખભેખભા મળાવીને રાષ્ટ્રનિર્માણના પાયાને મજબુત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નારી સશક્તિકરણ માટે ગુજરાતની મહિલાઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણની દિશામાં અનેકવિધ અપ્રતિમ પગલાં લઈને જે અભિનવ માર્ગ કંડાર્યો હતો. તેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાની ઉર્જાવાન આગેવાનીમાં આગળ ધપાવી રહ્યાં છે.

રાજ્ય સરકારે મહિલા સુરક્ષાથી લઈને સશક્તિકરણ માટે અનેકવિધ પગલાંઓ લઈને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. આજે નિરાધાર મહિલાઓને આર્થિક ટેકો આપવા માટે શરૂ કરવામાં આવેલી ગંગા સ્વરૂપા યોજનાની ચર્ચા કરવી જરૂરી છે. ટીપે-ટીપે સરોવર ભરાય તેવી જ રીતે આવી નિરાધાર બહેનો સંઘર્ષ કરીને પોતાનુ ભરણ પોષણ કરે ત્યારે સરકારશ્રીની યોજનાઓ આવી બહેનો માટે મદદરૂપ બની રહે છે.

વિધવા મહિલાઓની સમસ્યાઓ તથા તેના નિરાકરણ માટે દર વર્ષે 23 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારે રાજ્યની પ્રત્યેક ગંગા સ્વરૂપ મહિલાઓના પ્રશ્નોનું આર્થિક નિવારણ લાવીને તેમની મુશ્કેલીઓને આસાન બનાવી છે.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’’ અમલીકૃત થઈ હતી. શરૂઆતમાં આ યોજના વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી. જે બાદ “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” નામ જાહેર કરી વિધવા બહેનોને ગંગા સ્વરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું.

યોજનામાં બદલાવ કર્યા બાદ હવે ગંગા સ્વરૂપ બહેનોને જો ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર હોય તો પણ યોજનાકીય લાભ મેળવી શકશે. બે તબક્કામાં મળતી સહાયની રકમને વધારીને પહેલા તબક્કામાં મળતી રૂ. ૭૫૦ ની સહાયને રૂ. ૧૦૦૦ અને બીજા તબક્કામાં મળતી રૂ. ૧૦૦૦ ની સહાયને વધારીને રૂ. ૧૨૫૦ કરવામાં આવી છે.

ભારતીય સંસ્કૃતિમાં નારી સન્માનને મહત્વ આપવામાં આવ્યું છે, મહિલાઓ પોતાના પતિને પરમેશ્વરની જેમ માનતી આવી છે. પતિના સહાર વગર મહિલા નિરાધાર બની જાય છે. તેમના જીવનમાંથી ખુશીઓના રંગો ઉડી જાય છે. આવી નિરાધાર બહેનોને ખુશી તો પરત આપવી શક્ય નથી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના રૂપમાં આર્થિક ટેકો આપીને સારૂ જીવન જીવવાની તક આપી છે.

*આશાબહેનની આપવિતી આંખો નમ કરનારી*

કુંકરમુંડા તાલુકાના અનુસૂચિત જાતિના આશાબહેન આહિરેની સાથે ચર્ચા કરતા ખ્યાલ આવે છે કે તેમના પર તૂટી પડેલો દુ:ખનો પહાડ કેવો હતો, તેની કલ્પના કરવી મુશ્કેલ થશે. આંખોમાં અશ્રુ અને હ્રદયમાં યાદો સાથે જીવતી આશાબેન પોતાની આપવિતી જણાવતા કહે છે કે, વર્ષ ૨૦૧૪ માં મારા પતિ સુભાષ આહિરેનું અવસાન થયા બાદ 3 દિકરીઓની જવાબદારી ખભે આવતા દુખોનો તૂટી પડેલો પહાડને ઝીલીને મજબુત થવાના પ્રયાસો કર્યા છે. નહીંતર હું ઢળી પડતી. દીકરીઓના ભવિષ્યની ચિંતા વધી ગઈ, કારણ કે મારા બાદ મારી દીકરીઓનું શું થશે ?

સરકારશ્રીની મારા માટે વરદાનરૂપ સાબિત થનારી ‘‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’’ ની મને જાણ થતા એક હાંશકારાનો પ્રથમ વાર અનુભવ થયો હતો. વર્ષ- ૨૦૧૫ થી રાજ્ય સરકાર દ્વારા દર માસે મારા બેંક ખાતામાં રૂ. ૧૨૫૦ સમયસર જમા થઈ જાય છે. જેના કારણે મારો અડધો ભાર ઓછો થયો છે. હું કુકરમુંડા તાલુકા પંચાયતમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવું છું.અને ઘરે સિવણકામ પણ કરું છું, હવે મને મારું ઘર ચલાવવામાં ઘણી રાહત છે.

દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે મારા જેવી અનેક નિરાધાર મહિલાઓને જીવનની નવી શરૂઆત કરવા માટે આર્થિક ટેકો આપ્યો છે. મને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના મારફતે રૂ. ૨૦,૦૦૦ ની સહાય પણ મળી છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ મારફતે નિરાધાર મહિલાઓ માટે આશિર્વાદ સમાન આ યોજનાની માહિતી મળી હતી. જે બાદ તમામ પુરાવાની પ્રક્રિયા પૂર્ણ કરી આજે મને પ્રત્યેક માસ દરમિયાન મળી રહેલ યોજનાના લાભથી હું ખુશ અને સંતુષ્ટ છું, તે બદલ હું સરકારશ્રી સહિત જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું.

*તાપી જિલ્લાની નિરાધાર મહિલાઓ માટે ગંગા સ્વરૂપા યોજના બની આધાર*

વર્ષ ૨૦૨૨ દરમિયાન કુલ ૩૪૮૯ અરજીઓ મળી હોવાની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી, જે પૈકી તાપી જિલ્લાની કુલ ૩૪૪૬ અરજીઓને મંજૂર કરીને મહિલાઓને આર્થિક ટેકો આપીને નિરાધાર મહિલાઓના જીવનની એક નવી શરૂઆતને રાહ ચિંધી હતી. સોનગઢ તાલુકામાં સૌથી વધુ ૧૨૨૪ લાભાર્થીઓ નોંધાયા છે. જે બાદ વ્યારા તાલુકામાં ૬૨૧, વાલોડમાં ૪૭૦, ડોલવણમાં ૩૩૪, ઉચ્છલમાં ૩૧૧, નિઝરમાં ૨૬૭ અને કુકરમુંડા તાલુકામાં ૨૧૯ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.

*ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ નો પરિચય’*

નિરાધાર મહિલાઓને આર્થિક ટેકો આપતી ‘‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’’નો લાભ ૧૮ વર્ષ કે તેથી વધુ વયની કોઇ પણ નિરાધાર વિધવાને મળે છે. શહેરી અને ગ્રામીણ માટે યોજનાકીય લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦ અને રૂ. ૧,૨૦,૦૦૦ ની મર્યાદા રાખવામાં આવેલ છે. રૂ. ૧૨૫૦ ની પ્રત્યેક માસ દરમિયાન આર્થિક સહાય બેન્ક ખાતામાં સીધા જમા કરવામાં આવશે.

*અરજી કરવી સાવ સરળ*

અરજદારે એક અરજી, પાસપોર્ટ ફોટો, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, પતિના અવસાનનો દાખલો, પાસબુકની નકલ, આવકનો દાખલો, પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર, આધારકાર્ડની નકલ અને લાગુ પડતું હોય તો બી.પી.એલ. સ્કોર અંગેનો દાખલો આપવાના રહેશે. જે બાદ વિભાગ દ્વારા પણ તમામ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવશે.

માત્ર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાઓ જ નહીં પરંતુ નારી સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લઈને મહિલા વિકાસ માટે મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી કામગીરી કરીને ગુજરાત રાજયે અન્ય રાજ્યો માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other