ઓલપાડ તાલુકાનાં મીરજાપોર ગામે શાળાનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મીરજાપોર પ્રાથમિક શાળામાં તેનાં ૧૧૨ માં સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે શાળા પટાંગણમાં ઢળતી સાંજે ભવ્ય રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ગિરીશ પટેલ, ગામનાં સરપંચ શ્રીમતી કૈલાસ પટેલ, ઉપસરપંચ હિતેશ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ અનિલ પટેલ, શાળાનાં માજી આચાર્ય કેશવ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રારંભે શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા બાદ શાળાનાં આચાર્ય શ્રીમતી અંજના પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી શાળાની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવોએ દીપ પ્રજવલન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે તેમનાં પ્રાસંગિક ઉદબોધનમાં સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષણની સરાહના કરી ઉપસ્થિત જનમેદનીને શહેરની ખાનગી શાળાનો મોહ છોડવા આગ્રહ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ગુણોત્સવ જેવાં કાર્યક્રમ અંતર્ગત સરકારનાં અવિરત અને અથાગ પ્રયત્નો થકી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓનાં નામાંકન અને સાક્ષરતાની બાબતે ઉજજવળ પરિણામો મળી રહ્યાં છે ત્યારે આ શાળા પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવું છું. આ તકે તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમનાં આયોજન બદલ શાળા પરિવારની કામગીરી તથા ગ્રામજનોનાં સહયોગને બિરદાવ્યો હતો.
કાર્યક્રમમાં શાળાનાં બાળકોએ નાટક, રાજસ્થાની નૃત્ય, ફિલ્મીગીત, શૌર્યગીત, અભિનયગીત, કરાટે તેમજ પિરામિડ જેવી અવનવી કૃતિઓ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં ઉપશિક્ષિકા સોનલ બ્રહ્મભટ્ટે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક શાળાનાં શિક્ષિકા જ્યોતિ પટેલ, ભગવા પ્રાથમિક શાળાનાં આચાર્ય જયેશ વ્યાસ, મોરબ્રાંચ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા ભાવના સેલર તથા અસ્મિતા પટેલે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ શાળાનાં ઉપશિક્ષિકા ખુશ્બુ દેસાઈએ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other