કુકરમુંડા : ફૂલવાડી ગામના કેળકોઠીપાડા ખાતે જાહેર શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય : રોગચાળો ફાટી નીકળવાની સંભાવના
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત ફૂલવાડી ગામના કેળકોઠીપાડા ખાતે SBM અંતર્ગત જાહેર સામુહિક શૌચાલય/મુતરડી બનાવવામાં આવેલ છે. જાહેર શૌચાલય/મુતરડી બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાંટ વાપરી ખર્ચ કરવામાં આવેલ છે. પરંતુ હાલમાં જાહેર શૌચાલય/મુતરડીમાં બોર મોટર અને પાણીની ટાંકી ન હોવાથી જાહેર શૌચાલય/મુતરડીમાં ગંદગીનું સમ્રાજ્ય ઊભુ થયુ છે. વર્ષોથી પંચાયત તરફથી જાહેર શૌચાલય/મુતરડીને સાફસફાઈ કરવામાં ન આવતા અસહ્ય દુર્ગંધ આવી રહી છે. તાલુકા પંચાયત કચેરી, સરકારી દવાખાનું, અનાજની દુકાનો, શાખભાજીની દુકાનો મોટા ભાગે અહી આવેલ હોવાથી રોજિન્દા કામકાજ માટે મોટી સંખ્યામા લોકો આવતા હોય છે, અને લોકો શૌચ ક્રિયા કરવા માટે મજબુર થઈને ખુલ્લા ખેતરોમાં જઈ રહ્યા છે. જાહેર શૌચાલય/મુતરડીમાં ફકત કુડો-કચરો જોવા મળી રહ્યો છે, વર્ષાથી પાણી ના અભાવે બિનઉપયોગી થતાં ખંડેર બની જવા પામેલ છે.
સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અને ગ્રુપ ગ્રામ પંચાયતના જવાબદારો મારફતે કથિત ભ્રષ્ટ્રાચારની ગંધ આવી રહી છે ! ગ્રામજનો જણાવે છે કે કેળકોઠીપાડા ગામમાં sbm યોજના અંતર્ગત વર્ષ: ૨૦૧૫માં બનેલ સામુહિક શૌચાલયમાં નળ કનેક્શન કરવામાં આવ્યું નથી ! વર્ષો વિતી ગયા છતાં પણ પંચાયતના સ્થાનિક અધિકારીઓ દ્વારા આજ દિન સુધી જાહેર શૌચાલય/મુતરડીમાં પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલ નથી ?!
જ્યારથી જાહેર શૌચાલય/મુતરડી બનાવવામાં આવેલ છે ત્યારથી સાફસફાઈ કરવામાં આવેલ નથી ! ગંદકી અને તીવ્ર દુર્ગંધ વચ્ચે મચ્યછરોનો ત્રાસ વધી જતા લોકોએ ગંભીર બીમારીના ભય સાથે જીવવા મજબુર બન્યા છે. લોકોને ગંભીર બીમારી થશે ત્યારે આરોગ્ય વિભાગ અને કુકરમુંડા તાલુકાનુ સ્થાનિક તંત્ર જાગશે ?