પરીક્ષાનાં તણાવમાંથી મુક્તિ મેળવવા મોબાઈલ નહીં પરંતુ મેરેથોન જરૂરી : અશ્વિન ટંડેલ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વલસાડ જિલ્લાનાં તિથલ મુકામે ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ વલસાડનાં પાંત્રીસ જેટલાં દોડવીરોએ પ્રોમો રન યોજી. જેમાં બાળકો, મહિલાઓ, યુવાઓ તેમજ વડીલોને આવરી લઇ દરિયા કિનારે વિહાર કરવા આવેલા સહેલાણીઓને બ્રોસર આપી આગામી મેરેથોનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું. જેનો હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો. આ અગાઉ દમણ બીચ પ્રોમો રન કરી જે એકસો પાંચ જેટલાં દોડવીરો એક જ દિવસમાં નોંધવામાં આવ્યાં હતાં. ટીમ લીડર નરેશ નાયક અને ટીમનાં સક્રિય દોડવીરો, સહકાર્યકર ભાઈઓ અને બહેનો એમાં જોડાયા હતાં. મેરેથોનમાં જેમ બને એમ વધુ લોકો જોડાઈને સ્વાસ્થ્યનો પર્વ ઉજવે એવી સૌએ આશા સેવી હતી.
જોગાનુજોગ રન એન્ડ રાઇડર 13, સુરતનાં દોડવીર એવાં શિક્ષક અશ્વિન ટંડેલે હિન્દુ રાષ્ટ્રનાં હિમાયતી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભગવો ધ્વજ હાથમાં લઈ દોડ લગાવી હતી. તેમણે આજની આ દસ કિમી દોડ શિવાજી મહારાજને યાદ કરી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે બાળકોમાં મોબાઈલનું વળગણ વધુ જોવા મળે છે તો બાળપણથી જ આપણાં બાળકોને કોઈ રમતગમતની પ્રવૃત્તિમાં જોડીએ તો ભવિષ્યમાં તેનાં તન અને મન માટે લાભદાયી નીવડે. તેમણે ઉમેર્યું હતું કે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાનાં તણાવમાં રહેતા હોય છે આવા સમયે આવા મુક્ત વાતાવરણમાં હજારોની સંખ્યામાં દોડતા લોકોને જોવા કે એમની સાથે ભાગ લેવાનો લ્હાવો લઈ પરીક્ષાનાં હાઉથી પણ છૂટકારો મેળવી પોઝીટીવ માઈન્ડ્સેટ કેળવી શકાય એમ છે.