તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે ત્રીજો આયુષ મેળો યોજાયો
“આયુર્વેદ રોગને જળમુળથી નષ્ટ કરે છે.” જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
……………..
કુકરમુંડા ખાતેના આયુષ મેળામાં બહોળી સંખ્યામાં લોકોએ પ્રદશર્નીને નિહાળી આયુર્વેદ વિશે જાણકારી મેળવી, સારવાર અને ઉપચારનો લાભ લીધો :
……………..
માહિતી બ્યુરો, તાપી, તા.15: આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા કુકરમુંડા સ્થિત શેઠ એચ.કે.કાપડિયા હાઇસ્કુલ, મેઇન રોડ ખાતે આયુષ મેળાનું આયોજન જિલ્લા કલેક્ટરશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા ઇંચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.વલવી સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે, કોરોનાએ આપણને આયુર્વેદ અંગે વધારે જાગૃત કર્યા છે. આયુર્વેદ એક ગહન અને ખુબ ઉંડું શાસ્ત્ર છે. તેમણે પોતાના પરિવારના અનુભવો વર્ણવતા આયુર્વેદના ફાયદા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આયુર્વેદ રોગને જળમુળથી કાઢી નાખે છે. બિમારીને મૂળમાંથી નષ્ટ કરવાનું કામ આયુર્વેદ કરે છે. આયુર્વદથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી. તેમણે આયુર્વેદમાં ધિરજ અને વિશ્વાસ રાખી દવાઓ કરાવવાની જરૂર છે એમ સમજ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી સોનલ પાડવીએ આ મેળામાં ઉપલબ્ધ વિવિધ સ્ટોલ જેમા દવાઓ અને સારવારનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિ.પં.દંડકશ્રી રાહુલ ચૌધરીએ આયુર્વેદનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, સરકારશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વર્તમાન સરકાર ઘર આંગણે આવીને વિકાસના કામો કરે છે. જવાબદાર નાગરિક તરીકે આપણો તાલુકો પાછળ ન રહે તે જોવાની જવાબદારી આપણી છે. તેમણે ભુલાઇ ગયેલા આયુર્વેદના મહત્વને સમજીને તેને જીવનમાં અપનાવીએ એમ વિનંતી કરી હતી.
આ પ્રસંગે નિલેશભાઇએ આયુર્વેદનું મહત્વ સમજાવતા કહ્યુ હતું કે, સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ દર રોજ નરણા કોઠે હરડેનું સેવન જરૂર કરવું જોઇએ. આયુર્વેદની દરેક દવાઓ નિર્દોષ હોય છે તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી. તેમણે અગ્નિકર્મ વિશે વિસ્તૃત જાણકારી આપી તનો વિશેષ લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે યોગ ઇન્સ્ટ્રક્ટરશ્રી રેખાબેન પાડવીની ટીમ દ્વારા યોગના આસનો પ્રદર્શિત કરીને સૌને દૈનિક ધોરણે યોગ કરવા અપીલ કરી હતી. આ સાથે આઇસીડીએસ વિભાગ દ્વારા પોષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, કુકરમુંડા ખાતે આયોજીત આયુષ મેળામાં કૂલ-૪૦૫૫ નાગરિકોઓ વિવિધ સારવાર અને ઉપચારનો લાભ લીધો હતો. જેમાં આયુર્વેદ નિદાન સારવાર હેઠળ ૪૨૫ નાગરિકોએ, હોમિયોપેથી નિદાન સારવારમાં ૧૪૪., અગ્નિકર્મ ચિકિત્સામાં ૪૪, ઘંટીયંત્રમાં ૨૦., સુવર્ણપ્રાશનમાં.૨૫., Ars AIB-30 વિતરણ-૩૧૨.,તથા પ્રદર્શનના લાભાર્થીઓ ૧૫૬૦..અને આયુર્વેદ પ્રચાર-પ્રસાર ૧૨૯૦ લાભાર્થીઓ મળી કૂલ-૪૦૫૦. જાહેરજનતાએ આયુષ મેળાનો લાભ લીધો હતો.
પ્રજાજનોની આરોગ્ય સુખાકારી અર્થે આયુર્વેદ અને અન્ય ચિકિત્સાઓનો વ્યાપ વધારવા માટે આ આયુષ મેળામાં દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન, રસોડા/આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, ગર્ભ સંસ્કાર, વિરૂધ્ધ આહાર, તરૂણાવસ્થા માર્ગદર્શન, પંચકર્મ સારવાર, હોમિયોપેથી ચાર્ટ વગેરેની વિસ્તૃત સમજ સાથેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય જયશ્રી ચૌધરીએ સ્વાગત કરતા આયુષ મેળામા મળતી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આયુષમેળામાં નિઝર પ્રાંત અધિકારી જયકુમાર રાવલ, કુકરમુંડા મામલતદારશ્રી નિલેશ ભાવસાર, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રી, આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ, હોમિયોપેથીના ડો.અનંત પરમાર, પંચકર્મચના નિષ્ણાંત, આયુર્વેદીક ડોકટરોની ટીમ ,મેડીકલ સ્ટાફ, આંગણવાડીની બહેનો તથા મોટી સંખ્યામાં નગરજનો અને આગણવાડીનાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવસભર ચાલેલા પ્રદર્શન-મેળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
0000000