તાપી જિલ્લા “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને યોજાઇ
માહિતી બ્યુરો, તાપી તા.૧૫ તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, તાપીમાં જિલ્લામાં જે સ્થળોએ ફેટલ અકસ્માત થયાં છે તેવા સ્થળોની સંયુક્ત તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા, રોડ પર જ્યાં શાળાઓ આવેલી હોય ત્યાં સ્પીડ બ્રેકર મુકાવવા અને યોગ્ય સાઇનેજીસ લગાવવા,ઓવર સ્પીડીંગ, મોબાઇલ પર વાત, નાની ઉંમરે વાહન ચલાવવું, દારૂ પીને વાહન ચલાવવા જેવા ગંભીર ગુન્હાઓ અંગે ખાસ ચેકીગ કરવાની સાથોસાથ રોડ પર રખડતા ઢોરને નિયંત્રણ કરવાની સુચના આપી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
વધુમાં શાળા -કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય તે માટે વિદ્યાર્થીઓ સાથે તલસ્પર્શી સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન, ડ્રાઈવિંગ લાયસન્સની અગત્યતા, વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સહિત સલામત ડ્રાઈવીંગ કરવાથી અકસ્માતો જેવી ઘટનાઓની અટકાયત અંગે માહિતગાર કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં જણાવ્યું હતું
આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી એસ. કે. ગામીત પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટ્રાફિક સંચાલન,શાળા પરિવહન બાબતે માર્ગ સલામતી, રસ્તા પરના ખાડા દૂર કરવા,નિયમિતપણે અકસ્માતો થતાં હોય તે જગ્યાઓની તપાસ કરી યોગ્ય પગલાં લેવા સહિતના અનેક મુદ્દાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. સંયુક્ત ચકાસણીના બાકી અહેવાલ અને દરેક એજન્ડામાં કઈ કામગીરી બાકી છે, કનેક્ટીંગ રોડ ઉપર બમ્પ મુકવા, વિવિધ રોડ ઉપર સફેદ પટ્ટા ઘાટા કરવા, પેચ વર્ક કરવા તથા રોડ એન્જીનીયરીંગ સંબંધિત મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
ઉક્ત બેઠકમાં ઇન્ચા. જિલ્લા વિકાસ અધિકારી તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. જે.વલવી, ઇંચા જિલ્લા પોલિસ અધિકક્ષક શ્રી નાયક,કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ-મકાન (સ્ટેટ-પંચાયત), ચીફ ઓફીસરશ્રીઓ,સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦૦