તાપી જિલ્લામાં ધોરણ.૧૦ (SSC) અને ૧૨ (HSC) બોર્ડ પરીક્ષાનો શુભારંભ
ધો.૧૦ અને ૧૨ બોર્ડના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા તાપી કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે
………….
કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ કે.કે.કદમ કન્યા વિદ્યાલય ખાતે પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી ગોળ-સાકરથી મોઢું મીઠું કરાવીને સારા ગુણે પાસ થવાની સાથે ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી
…………..
આજથી ૧૦(SSC) અને ૧૨(HSC) બોર્ડની પરીક્ષામાં તાપી જિલ્લાની શાળાઓમાં 18835 જેટલા વિદ્યાર્થીઓનું પોતાની ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રથમ પગલું
………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી )તા.૧૪: ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આજથી તા.૧૪ મી માર્ચથી શરૂ થઈ ગઇ છે ત્યારે તાપી જિલ્લાના શાળાઓમાં કુલ- 18835 વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રથમ પગલું ભર્યું છે, ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર તમામ દીકરા દીકરીઓને જિલ્લા વહીવટી તંત્ર વતી તાપી કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ ખૂબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.કલેક્ટર સુશ્રી દવેએ કે.કે.કદમ કન્યા વિદ્યાલય ખાતે જઇ પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી ગોળ-સાકરથી મોઢું મીઠું કરાવીને સારા ગુણે પાસ થવાની સાથે ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી કહ્યું હતું કે આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે. માતાપિતાનું નામ રોશન કરો એવા આશિર્વાદ તમામ પરીક્ષાર્થીઓને આપ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તનાવ રહિત માનસિકતાની સાથે પરીક્ષા આપી શકે તે માટે વિવિધ પ્રકારના વિડિયો અપલોડ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં આજથી 29 માર્ચ સુધી કુલ 63 બિલ્ડિંગ પર 18835 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે, દરેક બિલ્ડિંગમાં સી.સી.ટીવી કેમેરા કાર્યરત કરાયા છે, દરેક સેન્ટર ઉપર ક્લાસ 1 અને 2 અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપી પરિક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. .
ઉલ્લેખનિય છે કે એસ. એસ. સીની પરીક્ષા માટે કુલ 16 કેન્દ્ર તથા 35 બિલ્ડીંગ અને કુલ 369 બ્લોક ફાળવવા આવ્યા છે, જેમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 11033 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા અપાશે.જયારે એચ. એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે તાપી ઝોન- 44 વ્યારા ખાતે કુલ 7 બિલ્ડીંગ અને 78 બ્લોકમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 1593 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તથા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના કુલ 7 કેન્દ્રો 19 બિલ્ડિગો અને 203 બ્લોકમા કુલ 6209 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.આમ તાપી જિલ્લાની શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ મળીને કુલ 18,835 વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે પરીક્ષા આપશે.
0000000