તાપી જિલ્લાના પલાસ પર્વ-૨૦૨૩નું રંગારંગ પારંપારિક કાર્યક્રમ સાથે સમાપન
ત્રિદિવસીય પરંપરાગત નૃત્યો સાથે તાપી જિલ્લાના કલાકારોએ આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરી કુદરતી સંપત્તિ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની : જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા
તાપીમાં ભવ્ય અને દિવ્ય કલાઓ છુપાયેલી છે. સદાયે ખુશહાલ જિલ્લો એટલે તાપી : કલેકટર સુશ્રી ભાર્ગવી દવે
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૧ – તાપી જિલ્લામાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ,રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તથા ગુજરાત પ્રવાસન નિગમ લી.દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત ઐતિહાસિક પલાસ પર્વ-૨૦૨૩નો હોળી પર્વ નિમિત્તે ૮ માર્ચના રોજ દબદબાભેર પ્રારંભ થયો હતો.વસંત ઋતુમાં ફાગણ મહિનામાં હોળીના પવિત્ર પર્વ પહેલા પલાસ એટલે કે ખાખરાના ફુલો પુરબહારમાં મહોરી ઉઠે છે. તાપી જિલ્લામાં ઠેર ઠેર કેસુડો ખીલી ઉઠ્યો છે ત્યારે આ વિસ્તારમાં અચૂક વિહાર કરવા મન લલચાય જાય છે. નૃત્ય આદિવાસી લોકોનો કલા વારસો છે. વાર-તહેવારે અહીંના આદિવાસી લોકો ભાઈઓ-બહેનો ભેગા મળીને પોતાના પારંપારિક નૃત્ય કરી આનંદ પ્રમોદ કરે છે.અહીં વસાવા,ગામીત,ચૌધરી,ઢોડિયા જાતિના આદિવાસી લોકો પોતાની આગવી કલાઓમાં માહિર છે. તેમના પારંપારિક વાદ્યો ઢોલ,તારપુ,દેવલાકડી,તાસા,તુર,ચાંગ્યો ઢોલ,ટોપલી,સુપડુ વિગેરે સાથે પોતાની સંસ્કૃતિને ઉજાગર કરે છે.
વિવિધતામાં એકતાના રંગ સાથે જોડતા પલાસ પર્વના સમાપન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કુદરતી સંપત્તિ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રેમ અને રંગની અનુભૂતિ આ અવસરે થઈ છે. મજબૂત શિક્ષણ સાથે વિકાસ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર કટીબધ્ધ છે ત્યારે આદિવાસી વિસ્તારમાં એકલવ્ય મોડેલ સ્કુલ અને ટ્રાયબલ યુનિવર્સિટી સ્થાપીને સરકારે વ્યવસ્થા કરી હોવાનું પ્રમુખશ્રી વસાવાએ જણાવ્યું હતું. તાપી જિલ્લામાં સૌપ્રથમવાર ઐતિહાસિક પલાસ પર્વ-૨૦૨૩ (હોળી ઉત્સવ) નો પ્રારંભ કરવા બદલ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે. તાપી જિલ્લામાં ગુજરાત અને મહારાષ્ટ્રની સંસ્કૃતિનો સમન્વય થયો છે. અહીંની સોંગાડ્યા પાર્ટી માં નવરસનો સમાવેશ થાય છે. જેમાં નાટિકા સહિત હાસ્યરસ જોવા મળે છે. હંમેશા યુ.પી.,બિહાર અને ઓરીસ્સા,રાજસ્થાન જેવા રાજ્યોની હોળી પ્રખ્યાત છે ત્યારે ગુજરાતના તાપી જિલ્લો દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ ધરાવે છે. તેમનામાં છુપાયેલી કલાઓને નિખારવાનો અવસર પલાસ પર્વ તરીકે ખૂબ જ સફળ બની રહ્યો. પ્રજા-પ્રતિનિધિ એક જ તાલ પર પગલા પાડતા હોય તેના જેવો મોટો બીજો કોઈ તહેવાર નથી.
જે.કે.પેપરમીલના સો વર્ષ પૂર્ણ થતા મુકુલ વર્માએ તમામ ગ્રામજનોને હોળીની શુભકામના પાઠવતા કહ્યું હતું કે ૩૫૦૦ લોકોને અમે રોજગારી આપી છે. ૧૦ હજાર લોકોને પરોક્ષ રીતે રોજગારી આપવામાં આવી રહી છે. આપનામાં રહેલી કલાશક્તિઓને અમે બહાર લાવીશું. અમારી મેડિકલ ટીમ લોકોની મદદ કરી રહી છે. ૧૫૦ બાળકોને દત્તક લીધા છે. ઉચ્ચ શિક્ષણના કલાસ દ્વારા અહીંના વિદ્યાર્થીઓ એન્જીનિયર/મેડિકલ ક્ષેત્રમાં જઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
પલાસ પર્વના પ્રથમ દિવસે શોભાયાત્રા,આદિવાસી ઢોલની હરિફાઈ જેમાં ૫૧ જેટલા ઢોલીડાઓએ ભાગ લીધો હતો.,નૃત્યો સહિત આ વિસ્તારની પ્રખ્યાત કેવડીપાડા સોંગાડ્યા પાર્ટી, બીજા દિવસે પણ આદિવાસી નૃત્યોની ભરમાર સાથે સ્થાનિક મદન એન્ડ ગોટુમામા સોંગાડ્યા પાર્ટી અને અંતિમ દિવસે આંગણવાડી બહેનોનું નૃત્ય,આઈ.ટી.આઈ.ઉચ્છલ,સોનગઢ કોલેજ,ઉચ્છલ કોલેજ,આમલગુંડી,નિઝર-ઉચ્છલ ધર્મ જાગૃતિ નૃત્ય અને જેટકો દ્વારા કાબેલીદાદ ઢોડિયા જાતિનું તુર નૃત્ય રજુ કરી દર્શકોને ડોલાવ્યા હતા. તમામ સાંસ્કૃતિક કૃતિઓને વહીવટી ટીમ અને પદાધિકારીઓએ રોકડ પુરસ્કાર આપી કલાઓને બિરદાવી હતી.વહીવટીતંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.
પલાસ પર્વના સમાપન પ્રસંગે નિઝર તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન વસાવે,ઉચ્છલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અર્ચનાબેન વસાવા, કુકરમુંડાના ગંગારામભાઈ જિલ્લા પંચાયત સદસ્ય વર્ષાબેન,નાયબ કલેકટર તૃપ્તિ પટેલ,પ્રાંત અધિકારી જયકુમાર રાવલ,મામલતદારશ્રીઓ ઉચ્છલ,નિઝર,સોનગઢ,જેકે પેપરમીલના પ્રશાંત વૈદ્ય,દંડક રાહુલભાઈ,માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી મનિષ પટેલ,પંચાયત કા.ઈ.શ્રી ધર્મેશ પટેલ,યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત,સરપંચશ્રી દાસુભાઈ વસાવા સહિત વહીવટીતંતરના તમામ અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો,કલાકારઓએ પલાસ પર્વને ઐતિહાસિક સંભારણું બનાવ્યું હતું.