કીમની શિવાજીનગર તથા અંબિકાનગર પ્રાથમિક શાળાના બાળકો માટે વનભોજનનો કાર્યક્રમ યોજાયો
(ભાવેશ મુલાણી, અંકલેશ્વર દ્વારા)
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કીમ નગર સ્થિત શિવાજીનગર પ્રાથમિક શાળા તથા અંબિકાનગર પ્રાથમિક શાળાના બાળકોએ વનભોજનની મજા માણી હતી.
અભ્યાસની સાથે બાળકો પ્રાકૃતિક સૌંદર્યને માણે તથા કુદરતના ખોળે નિર્દોષપણે રમે એવા શુભ હેતુસર યોજાયેલ આ વનભોજનના કાર્યક્રમમાં બંને શાળાના ૧૩૦ જેટલા બાળકોએ ભાગ લઇ ભરપુર આનંદ લૂંટયો હતો.
આ પ્રસંગે બાળકો ખીચડી, કઢી, જલેબી, કચુંબર વગેરેનો રસાસ્વાદ માણી હર્ષોલ્લાસથી શિક્ષકોના સહયોગથી વિવિધ રમતો રમી આનંદિત થયા હતા. કીમના સી.આર.સી.કો-ઓર્ડીનેટર ભરતભાઈ પટેલે આ સુંદર આયોજન બદલ બંને શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા શિવાજી નગર તથા અંબિકા નગર મુખ્યશિક્ષક અનુક્રમે સતિષભાઈ પરમાર અને મીનાબેન ખેરે શાળાસ્ટાફની મદદથી જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.