એલ.એન્ડ ટી. હજીરાનાં સહયોગથી ઓલપાડની કરંજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ફેબ્રુઆરી ૨૮ નાં દિવસે સર સી. વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. જેની સ્મૃતિમાં ભારતમાં પ્રતિવર્ષ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનાં શુભ હેતુસર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં આજનાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનાં ભાગરૂપે એલ.એન્ડ ટી. હજીરા, સુરતનાં સહયોગથી ભવ્ય વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ ગુડ’ એ થીમ ઉપર યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાનાં એક થી એક ચડિયાતી વિજ્ઞાન કૃતિઓ પ્રદર્શિત કરી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ એવાં કેન્દ્રાચાર્યા શ્રીમતી જાગૃતિબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાનાં સાયન્સ ટીચર નિલેશ પટેલે આજનાં વિશેષ દિવસનો હેતુ સ્પષ્ટ કરી કાર્યક્રમનો ચિતાર રજૂ કર્યો હતો.
આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ચિરાગ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, નવજીવન વિદ્યાલયનાં આચાર્ય જિતેશભાઇ ચૌહાણ સહિત આસપાસની શાળાનાં શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. સદર પ્રદર્શનને ખૂબજ મોટી સંખ્યામાં આસપાસનાં વિસ્તારની પ્રાથમિક તથા માધ્યમિક શાળાનાં બાળકો ઉપરાંત સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહ અને કૂતુહલતાપૂર્વક નિહાળ્યું હતું. પ્રદર્શનમાં સહભાગી થનાર બાળ વૈજ્ઞાનિકો તથા વિજ્ઞાન શિક્ષકોને એલ.એન્ડ ટી. કંપની દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. અંતમાં આભારવિધિ શાળાનાં ઉપશિક્ષક કાંતિભાઈ પટેલે આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *