સોનગઢ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

Contact News Publisher

માહિતી બ્યુરો, તાપી. તા.૨૭: મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઇ.સી.ડી.એસ દ્વારા પુર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન સિનિયર સીટીઝન હોલ,સોનગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવો દ્વારા કિશોરીઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, ૧૮૧ સખી વન સ્ટોપ સેન્ટર અંગેની માહિતી, આરોગ્યની સેવાઓ, બાળ સુરક્ષા વિભાગ અંતર્ગત વિવિધ માહિતી, પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી, આરોગ્ય સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ મેળામાં પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલે કિશોરી મેળાનો મુખ્ય હેતુ સમજાવતા કિશોરીઓના સુરક્ષા અને સશક્તિકરણ કરવા વિવિધ સરકારી યોજના વિશે, આંગણવાડી નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય તે અંગે, કિશોરીઓના વાલીઓને પોષણ, સર્વાંગી વિકાસ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

મેળામાં સોનગઢ મામલતદારશ્રી દિનેશ ઢિંમરે કિશોરીઓને શિક્ષણનું મહત્વ સમજાવી તમામને ભણતર જીવન માટે ખુબ જ ઉપયોગી છે એમ જણાવી કિશોરીઓમાં કારકિર્દી ધ્યેયો હાંસલ કરવા માટેની સમજ કેળવી હતી. આ સાથે મહિલા લાભાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓ અંગે વધુ માહિતી આપી હતી.

દહેજ પ્રબંધક અધિકારીશ્રી ડૉ.મનિષા મુલતાનીએ સ્વાવલંબી અને ઘરેલું હિંસા વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેનાં ભેદભાવને દુર કરીને દીકરીઓના જન્મદરમાં વધારો અંગે ગ્રામજનોમાં સમજ કેળવી હતી.

સોનગઢ ટી.એચ.ઓ.શ્રીએ કિશોર અવસ્થામાં આરોગ્યનું મહત્વ સમજાવી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થય કાર્યક્રમ અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ઉપર મળતી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપી કિશોરીઓને તેની મુલાકાત અચુક લેવા આગ્રહ કર્યો હતો.

બાળ સુરક્ષા વિભાગના પાયલબેને કિશોરીઓ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપૂર્વક આગળ વધી શકે તે અંગે, કિશોરીઓમાં જીવનના વિવિધ પાસાઓની સમજ તથા તેની જાગૃતિ કેળવી શકાય તે અંગે તથા બાળ સુરક્ષા વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓ અંગે વિગત વાર માહિતી આપી હતી.

આ મેળામાં કિશોરીઓએ રેમ્પવોક કર્યો હતો. મેળાના સ્થળ ખાતે કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરતાં સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા. વિવિધ આંગણવાડીઓ દ્વારા પોષણક્ષમ વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.

નોંધનિય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઇ.સી.ડી.એસ અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ થી ‘પુર્ણા યોજના રાજ્ય પુરસ્કૃત કાર્યાવિત છે. આ યોજના હેઠળ દિકરીઓમા શિક્ષણ, પોષણ, બાળલગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષા મુખ્ય છે. સરકારશ્રી દ્વારા પુર્ણા યોજના હેઠળ તમામ જિલ્લાઓ તમામ બ્લોક કક્ષાએ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ મેળામાં ગામના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા આઇ.સી.ડી.એસ દ્વારા સીડીપીઓશ્રી તથા અન્ય અધિકારી-કર્મચારીશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other