સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને નાણાકીય વર્ષ 2023-24 ના બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાઇ

Contact News Publisher

“દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતો સિતારો માન્યો છે.”-સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા
……………..
પત્રકારો પ્રજા અને પ્રસાશન વચ્ચે અતિમહત્વપુર્ણ કડી સમાન કામગીરી કરી રહ્યા છે. ત્યારે દેશના વિકાસમાં સૌ સાથે મળી કામગીરી કરવા અનુરોધ કરતા સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા
……………..
માહિતી બ્યુરો,તાપી.તા.૨૨: નાણાકીય વર્ષ 2023-24ના બજેટના અંગે આજે તાપી જિલ્લા સર્કિટ હાઉસ ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામ ગામીતની ઉપસ્થિતીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સાંસદશ્રીએ ગુજરાત રાજ્યને સંલગ્ન તથા દેશના વિકાસ માટે જરૂરી વિવિધ મુદ્દાઓને અંગે પત્રકારોને વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પરિષદમાં સાંસદશ્રી વસાવાએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમણે રજુ કરેલ બજેટમાં મુખ્ય મુદ્દાઓ જેમાં ઈન્કમ ટેક્સ અંગે મોટી જાહેરાત સમાન 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં ભરવો પડે ટેક્સ અંગે, ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી, રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13 ટકા કરવા બાબતે, ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરીઓ અને મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો, ટેલિવિઝન પેનલ પરની આયાત ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવા અંગે તથા સિનિયર સિટિઝન એકાઉન્ટ સ્કીમની મર્યાદા 4.5 લાખથી 9 લાખ કરવામાં આવશે. એટલે કે આ સ્ક્રીમમાં વધુમાં વધુ 4.5 લાખની જગ્યાએ 9 લાખ રૂપિયા સુધી જમા કરી શકાશે. જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ જમા રકમની મર્યાદા વધારીને 15 લાખ કરાઈ છે એમ જણાવ્યું હતું.

સાંસદશ્રીએ મહિલા સન્માન બચત પત્ર, આદિજાતિ મિશન માટે 3 વર્ષમાં 15,000 કરોડની જાહેરાત, પીએમ હાઉસિંગ સ્કીમની રકમ વધારીને 79,000 કરોડ રૂપિયા કરવા તથા રેલવે માટે 100 નવી યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે વર્ષ 2013-14ની સરખામણીમાં રેલવેનું આ બજેટ લગભગ 9ગણું વધારે છે. આ અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે એમ ઉમેર્યું હતું. આ ઉપરાંત દેશનો તાત-ખેડૂતો માટે ડિજિટલ તાલીમ શરૂ કરવામાં આવશે તથા કૃષિ ક્ષેત્ર માટે સ્ટોર ક્ષમતા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જેના થકી વધુ સ્ટોરેજ સવલતો હોવાને કારણે ખેડૂતોને તેમની નફાકારકતાને ટેકો આપતાં ઉત્પાદનને મંડીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે. આ સાથે તમામ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને એક વર્ષ માટે મફત અનાજની સપ્લાય માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે. શિક્ષણ પર મહત્વની જાહેરાત અંગે માહિતી આપતા દેશભરની એકલવ્ય મોડલ સ્કૂલોમાં 38800 શિક્ષકોને પુનઃસ્થાપિત કરવામાં આવશે એમ જણાવ્યું હતું. ફાર્મામાં સંશોધનને પ્રોત્સાહન, શિક્ષકોને તાલિમ જેવા વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપી હતી. આ સાથે કાર્યક્ષમ ઉર્જાનો ઉપયોગ અંગે વિસ્તૃત જાણકારી આપતા ગ્રીન ફ્યુઅલ, ગ્રીન એનર્જી, ગ્રીન ફાર્મિંગ, ગ્રીન મોબિલિટી, ગ્રીન બિલ્ડિંગ, ગ્રીન ઇક્વિપમેન્ટ અને વિવિધ આર્થિક ક્ષેત્રોમાં કાર્યક્ષમ ઉર્જાનો ઉપયોગ કરવા માટે નીતિઓ ઘડવા માટે ઘણા કાર્યક્રમો અમલમાં મૂકી રહ્યા છીએ એમ જણાવ્યું હતું.

સાંસદશ્રીએ નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24 ના બજેટના સાત આધાર ગણાવ્યા છે. જે અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે બજેટના મુખ્ય સાત લક્ષ્યાંક જેમને *સપ્તર્ષિ* કહેવામાં આવ્યું છે. જેમાં 1. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, 2 સમાવેશી વિકાસ, વંચિતોને પ્રાથમિકતા, 4 ક્ષમતા વિસ્તાર, 5 હરિત વિકાસ, 6. યુવા શક્તિ, અને 7 નાણાકીય ક્ષેત્રનો સમાવેશ થાય છે.

સાંસદશ્રીએ અંતે દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતો સિતારો માન્યો છે. દુનિયામાં ભારતનું કદ વધ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં ચાલી રહી છે અને સોનેરી ભવિષ્ય તરફ અગ્રેસર છે. તેમણે કહ્યું કે વર્તમાન સરકારે કોરોના કાળમાં એ સુનિશ્ચિત કર્યું કે કોઈ ભૂખ્યું ન સૂઈ જાય. વર્તમાન સરકારે 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને દરેક વ્યક્તિને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી. 28 મહિના સુધી 80 કરોડ લોકોને ફ્રી રાશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

*બોક્ષ-*
સાંસદશ્રી નાણાકીય વર્ષ 2023-24ના બજેટના અતિ મહત્વના મુદ્દાઓ રૂપે વિવિધ મુદ્દાઓ વર્ણવ્યા હતા. જેમાં ગરીબો માટે 79000 કરોડ ફાળવવામાં આવ્યા, 5G માટે 100 લેબ વિકસાવવામાં આવશે, મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમના પોતાના બોન્ડ લાવી શકશે, 50 નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે, આદિજાતિ મિશન માટે 15 હજાર કરોડ ફાળવવામાં આવશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 33 ટકા ખર્ચ વધારવામાં આવશે, પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ભંડોળ ઉપલબ્ધ થશે એમ વર્ણવ્યું હતું.
સાંસદશ્રીને પત્રકારોને સંબોધતા અંતે જણાવ્યું હતું કે, પત્રકારો પ્રજા અને પ્રસાશન વચ્ચે અતિ મહત્વપુર્ણ કડી સમાન કામગીરી કરી રહ્યા છે. ત્યારે દેશના વિકાસમાં આપણે સૌ સાથે મળી કામગીરી કરીએ એમ અનુરોધ કર્યો હતો.
આ પત્રકાર પરિષદમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામ ગામીત, મહામંત્રી વિક્રમ તરસાડીયા,પંકજભાઇ ચૌધરી સહિત વિવિધ પદાધિકારીઓ, તાપી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ અને જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other