ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ‘જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. આ અવિસ્મરણીય સૂત્ર આપીને કવિ અરદેશર ઈરાનીએ આપણી માતૃભાષાનાં રખેવાળ બની સુંદર કાર્ય કર્યું છે. આજનાં આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં શુભ દિને ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો સાથે માતૃભાષાની વંદના કરવામાં આવી હતી.
આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે ૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલનનો દિવસ છે. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. માતૃભાષામાં વ્યક્તિ વિચારો અને પોતાની જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે છે. માં, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી. આ તકે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલે સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી સૌને જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં દુનિયાની કેટલીય ભાષાઓ લુપ્ત થવાની અણીએ છે ત્યારે દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતાં લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવાં ઉપરાંત દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.
આ વિશેષ દિવસની ઉજવણી નિમિત્તે શાળાઓમાં બાળકોને ગુજરાતની ધરતી પર જન્મ લઈને ગુજરાતી ભાષાનાં વિકાસ અને વિસ્તારમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિરલ કવિઓ, સાહિત્યકારો, વિવેચકો, સંતો-મહંતોનાં જીવન ચરિત્રથી અવગત કરવામાં આવ્યાં હતાં. ઉજવણીનાં ભાગરૂપે કેટલીક શાળાઓમાં વક્તૃત્વ, ચિત્ર, કાવ્ય રચના તથા નિબંધ લેખન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે બી.આર.સી. કક્ષાએથી પણ ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક શાળાઓમાં બાયસેગ પર રાજ્ય કક્ષાએથી આયોજિત જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ, બીટ નિરીક્ષકો હર્ષદ ચૌહાણ તથા ભરત ટેલર તેમજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે જે-તે શાળાઓમાં ઉપસ્થિત રહીને બાળકો, શિક્ષકો તથા વાલીજનોને આ દિન વિશેષની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.