ગોડધા ગામે ૭.૬૯ કરોડના ખર્ચે ૬૬ કે.વી.સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું
બુહારી,વિરપોર,પેલાડ,અંધાત્રી,દાદરિયા,ગોડધા અને ધરમપુરા જેવા કુલ ૭ ગામના ૭૪૭૯ લાભાર્થીઓને રહેણાંક, વાણીજ્ય, ઔદ્યોગિક, વોટર વર્કસ, સ્ટ્રીટલાઈટ, ખેતીવાડી અને એચ.ટી.નો લાભ મળી શકશે.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૧ – તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોડધા ગામે આજરોજ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના વરદ્ હસ્તે રૂા.૭.૬૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૬૬ કે.વી.સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. ( GETCO) દ્વારા તૈયાર કરવામાં આવેલ સબ સ્ટેશનથી આ વિસ્તારના કુલ સાત જેટલા ગામો બુહારી,વિરપોર,પેલાડ,અંધાત્રી,દાદરિયા,ગોડધા અને ધરમપુરાના કુલ ૭૪૭૯ જેટલા લાભાર્થીઓને રહેણાંક,વાણીજ્ય,ઔદ્યોગિક,વોટર વર્કસ,સ્ટ્રીટલાઈટ,ખેતીવાડી અને એચ.ટી.નો લાભ મળી શકશે.
છેવાડાના માનવી સુધી વિકાસના ફળ આજે પહોંચી રહ્યાની અનુભૂતિ કરાવતા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે વિકાસ કરવો હોય તો જાગૃત લોકોની સાથે રહેવું પડે, આજે ૨૪ કલાક વીજળી આપવાનું આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું. જ્યોતિગ્રામ યોજનાની ૨૪ કલાક વીજળી લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકારે કટીબધ્ધતા વ્યક્ત કરી છે ત્યારે ઉર્જા વિભાગના અધિકારીઓએ આ વ્યવસ્થા કરવાનું ભગિરથ કાર્ય કર્યું છે જે બિરદાવવા જેવુ છે. રસ્તા,પાણી,વીજળી તેમજ આરોગ્ય માટે રાજ્ય સરકાર લોકોની ચિંતા કરે છે. આ વિસ્તારમાં સારામાં સારો વિકાસ થાય તે માટે આપણે સૌ સાથે રહી વિકાસ કરીએ એવી અપેક્ષા ધારાસભ્યશ્રી ઢોડિયાએ વ્યક્ત કરી હતી.
જેટકોના અધિક્ષક ઈજનેરશ્રી એ.એ.દેસાઈએ સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારશ્રીની પછાત વિસ્તારોના ખાસ વિકાસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારની ટ્રાઈબલ એરિયા ( ) ગ્રાન્ટ હેઠળ આ વિસ્તારની જનતાના વિકાસ અર્થે ઉભુ કરવામાં આવેલ છે. સબંધિત વિસ્તારને પુરતા દબાણથી વીજળી મળશે.ફીડરોની લંબાઈ ઘટવાથી ટી એન્ડ ડી લોસ ઘટશે. ખેતી અને બીન ખેતી વપરાશકારોને વિના વિક્ષેપે વીજળી આપી શકાશે. સબ સ્ટેશનની આજુબાજુના ૮ કી.મી.ના વિસ્તારોમાં આવેલા ૭ જેટલા ગામોના લાભાર્થીઓને તેનો લાભ થશે.
આ પ્રસંગે આવાસ યોજનાના કોટવાળિયા લાભાર્થીઓને પ્રથમ હપ્તાના રૂા.૩૦ હજારના ચેકોનું વિતરણ મહાનુંભાવોના હસ્તે કરાયું હતું. ઉદયભાઈ દેસાઈ,સૂરજભાઇ દેસાઈ,નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પ્રાથમિક શાળાની બાલિકાઓએ સૌ મહેમાનું સ્વાગત કર્યું હતું.
લોકાર્પણ ના અવસરે તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ કોંકણી, ઉપપ્રમુખ નિતેશભાઈ,જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિબેન,તાલુકા સદસ્ય યોગિતાબેન, ગોડધા સરપંચ શ્રીમતી તરૂલતાબેન હળપતિ, અંધાત્રી સરપંચ ભાવનાબેન પટેલ,જેટકોના એસી ડી.જી.પટેલ,વાલોડ DGVCL નાયબ કાર્યપાલક ઈજનેર સમીરભાઇ ચૌધરી,ગોડધા ગામના અગ્રણીઓ મુકેશભાઈ પટેલ, હિતેશભાઇ પટેલ સહિત GETCO અને DGVCL ના અધિકારી કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦