બારડોલીની બાલદા પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની એક સંકલન બેઠક બારડોલી તાલુકાની બાલદા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં હતી. જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઇ પટેલની અઘ્યક્ષતામાં યોજાયેલ આ સંકલન બેઠકમાં મહામંત્રી અરવિંદ ચૌધરી, નાણાંમંત્રી દિનેશ ભટ્ટ, કાર્યવાહક પ્રમુખ પ્રફુલ પટેલ, ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ, ચેતન પ્રજાપતિ, દિનેશ સોલંકી, ધીરુ પટેલ, અનિલ ચૌધરી, બળવંત પટેલ, બિપીન વસાવા, રીના રોઝલીન ઉપરાંત દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં.
સભાની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ તુર્કી ભૂકંપનાં મૃતકોની ચિર શાંતિ માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળવંત પટેલે કર્યું હતું. પ્રારંભે સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરીએ બેઠકનાં એજન્ડાનું વાંચન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે સંગઠનની ખુમારી ક્યારેય વેચશો નહીં. સંગઠનનાં સાચા સંત્રી તરીકે શિક્ષકોનાં પ્રશ્નોને વાચા આપવી એ જ આપણો સંગઠન ધર્મ છે. આ સાથે તેમણે ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં રાષ્ટ્રીય અધિવેશન, પૂજ્ય સંતશ્રી મોરારીબાપુની રામકથા, જૂની પેન્શન યોજના, શિક્ષક કલ્યાણ નિધિ, જૂથ વીમો, બી.એલ.ઓ.ની કામગીરી, વાર્ષિક લવાજમ તથા રામકથા માટે સ્વૈચ્છિક ફાળો ઉપરાંત શિક્ષક ભાઈ-બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનાં આયોજન બાબતે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
અંતમાં આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રફુલ પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો તથા બાલદા પ્રાથમિક શાળાનાં સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.