હલકા ધાન્યને પ્રાધાન્ય આપવાની આજની જરૂરિયાત: ડો. ઝેડ. પી. પટેલ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : હલકા ધાન્યનો પ્રદેશ એટલે ગુજરાતનો ડાંગ જિલ્લો આવા સમૃદ્ધ ડાંગ જિલ્લામાં આજરોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, ડો. ઝેડ. પી. પટેલના અધ્યક્ષતામાં ચાલુ વર્ષમાં ઉજવાઈ રહેલ આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ અંતર્ગત યોજાયેલ બેઠકમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, ડો. ઝેડ. પી. પટેલ દ્વારા હલકા ધાન્યોને દક્ષિણ ગુજરાતના છેવાડાના ખેડૂતો સુધી પહોંચતું થાય અને આજની પેઢી જે પાસ્તા અને પીઝાના શોખીન છે એ લોકો સુધી પણ નાગલી-વરી અને તેની અલગ અલગ મૂલ્યવર્ધિત વસ્તુઓનો પ્રચાર-પ્રસાર થાય એ માટે જાગૃતિ લાવવા બધા જ કૃષિ વૈજ્ઞાનિકો અને સ્ટેક હોલ્ડરને સૂચના આપવામાં આવી હતી. ડાંગ જિલ્લાના ખેડૂતો ડાંગ જીલ્લામાં જ એક્સ્પોઝર વિઝિટ કરી સ્થાનિક પાકો તરફ વળે તે માટે પણ આગ્રહ કર્યો હતો.
આ કાર્યક્રમ જેમના માર્ગદર્શન હેઠળ યોજાયો એવા નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન. એમ. ચૌહાણ દ્વારા દક્ષિણ ગુજરાતના સાતે સાત કે.વી.કે ના વડાશ્રીઓ અને હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના વડા, ડો. એચ. ઇ. પાટીલને સાથે મળીને ચાલુ વર્ષમાં હલકા ધાન્યનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય એ માટે યોજના બંધ તાલીમ, પબલિકેશન, જાગૃતતા કાર્યક્રમ, વાનગી સ્પર્ધા, મિલેટ રેલી, કૃષિ મેળા, પ્રદર્શ વગેરેનું આયોજન આખા દક્ષિણ ગુજરાતમાં થાય એ માટે બધાને સાથે મળી કામ કરવા સૂચના આપવામાં આવેલ. આ ઉપરાંત ડો. એચ. ઇ. પાટીલ દ્વારા રાખવામાં આવેલ દક્ષિણ ગુજરાતના સ્ટેક હોલ્ડર્સની મીટીંગ દરમ્યાન હલકા ધાન્ય પાકોનું મૂલ્યવર્ધન અને નિકાસની સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં જોડાયેલ દક્ષિણ ગુજરાતના સાત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને અન્ય વૈજ્ઞાનિકોએ પણ પોતાના વિચારો રજૂ કરી આગામી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો. જે. બી. ડોબરિયા સાહેબ દ્વારા ડાંગ જિલ્લામાં કરવામાં આવનાર હલકા ધાન્યના કાર્યક્રમો અને તેના મહત્તમ પ્રચાર-પ્રસારની ખાતરી આપવામાં આવી હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એચ. ઇ. પાટિલ, હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોનો મહત્વનો ફાળો રહ્યો હતો.