“કોઇ યોજના ફક્ત કાગળ ઉપર રહેવી ન જોઇએ. તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળે, અસરકારક રીતે યોજનાઓ ઇમ્પ્લીમેન્ટ થાય ત્યારે જ સરકારશ્રીની કામગીરી સાર્થક કહેવાય.”- પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

Contact News Publisher

રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અદ્યક્ષસ્થાને તાપી જિલ્લાના વિવિધ યોજનાઓ હેઠળ મંજુર થયેલ કામોની પ્રગતિ તેમજ બચત રહેલી ગ્રાન્ટની વિગત અંગેની સમિક્ષા બેઠક યોજાઇ
…………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.0૩: આજે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અદ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનન સભાખંડ ખાતે તાપી જિલ્લાના વિવિધ યોજનાઓ હેઠળ મંજુર થયેલ કામોની પ્રગતિ તેમજ બચત રહેલી ગ્રાન્ટની વિગત અંગેની સમિક્ષા બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે સૌ યોજનાઓ અંગે સમિક્ષા કરતા જણાવ્યું હતું કે, કોઇ યોજના ફક્ત કાગળ ઉપર રહેવી ન જોઇએ. તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળે, અસરકારક રીતે યોજનાઓ ઇમ્પ્લીમેન્ટ થાય ત્યારે જ સરકારશ્રીની કામગીરી સાર્થક કહેવાય. તેમણે સૌ અધિકારીઓને નાગરિકો સાથે સંવેદનશિલતા દાખવી કામગીરી કરવા સુચન કર્યું હતું. ઉપરાંત એવી એજન્સીઓ જે કામગીરી ન કરતી હોય કે ટેન્ડર પાસ થયા પછી પણ કામગીરી સમયસર પુરી કરી ન હોય તેવી એજન્સીઓને તાત્કાલીક ધોરણે ટર્મીનેટ કરવા તાકીદ કરી હતી. અ ઉપરાંત તેમણે તાપી જિલ્લામાં મત્સ્ય ઉત્પાદન વધારવા સી ફુડ પાર્ક, સ્વામીત્વ યોજના, ડ્રોન વિમાન યોજના હેઠળ સ્થાનિક યુવાનોને ડ્રોનની તાલીમ આપવા, નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરે પાણી મળી રહે તથા આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને સમય મર્યાદામાં સહાય મળી રહે તે મુજબ કામગીરી કરવા સુચનો આપ્યા હતા. તેમણે ફેબ્રુઆરી સુધીમાં તમામ બાકી રહેલ ગ્રાન્ટનો સમયમર્યાદામા ઉપયોગ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા, ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા દ્વારા વિવિધ મુદ્દાઓ જેમાં જંગલ જમીનના દાવાઓ, બીએસએનએલના ટાવરો, ખેતવીજ જોડાણ, બોર્ડરના ગામોને લગતા પ્રશ્નો અંગે જે-તે વિભાગને રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લેતા જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરી પગલા લેવા તથા રીપોર્ટીંગ કરવા સુચનો કર્યા હતા.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે તાપી જિલ્લા તંત્ર દ્વારા આગામી સમયમા હાથ ધરવામાં આવેલ વિવિધ કાર્યક્રમો અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા. જેમાં આવાસ મેળો, હોળી ઉત્સવ અને પ્રસાશન ગાંવ કી ઓર ઝુંબેશ અંગે જાણકારી આપવામાં આવી હતી. મંત્રીશ્રીએ આ કાર્યક્રમોની સરાહના કરી હતી.
બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી અંકિતા પરમાર અને આયોજન અધિકારીશ્રી એસ.એસ.લેઉઆ દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી વિવિધ યોજનાઓની ગ્રાન્ટની વિગતો અને આયોજન કરવામાં આવેલ કામગીરી અંગે મંત્રીશ્રી સહિત પદાધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી. બેઠકના અંતમાં મંત્રીશ્રીના હસ્તે “અપસ્કેલિંગ આપદા મિત્રો” પ્રોજેકટ હેઠળ તાપી જિલ્લાના 180 જેટલા આપદામિત્રો તાલીમબધ્ધ થતા “ઇમરજન્સી રેસ્ક્યુ કીટ” આપી તેઓની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, ઇંચા.પ્રાંત વ્યારા હિમાંશુ સોલંકી, વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી શ્રીમતી સેજલબેન રાણા, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other