તાપી જિલ્લા ખાતે રાજયકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીના અઘ્યક્ષ સ્થાને તથા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો ભરતી મેળો યોજાયો
ગુજરતનો કોઇ પણ યુવાન રોજગારથી વંચીત ન રહે તે માટે દરેક જિલ્લામાં રોજગાર મેળા યોજાશે- મત્રીશ્રી કુંવરજીભાઈ હળપતી
……………………….
કોઇ પણ વિસ્તારના વિકાસ માટે ઇન્ડસ્ટ્રીની પણ જરૂર છે, ઇન્ડસ્ટ્રી હશે તો યુવાનોનું ભવિષ્ય બનશે -પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
…………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૩ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા રોજગાર કચેરી તાપી તથા ઓદ્યોગિક તાલીમ સંસ્થા,વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર આજે વ્યારા સ્થિત ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે રાજયકક્ષાના આદિજાતિ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીના અઘ્યક્ષ સ્થાને તથા રાજયકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી રાજયકક્ષાના આદિજાતિ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીએ જણાવ્યું હતું કે, ગુજરાતની વર્તમાન સરકાર છેવાડાના માનવી સુધી પહોચી છે. તેમને પોતાની આગવી શૈલીમાં “વાદ નહી વિવાદ નહી રોજગાર વિના વાત નહી” એમ સુત્રોચ્ચાર કર્યું હતું. તેમણે ગુજરાતનો કોઇ પણ યુવાન રોજગારથી વંચીત ન રહે તે માટે દરેક જિલ્લામાં રોજગાર મેળા યોજાશે એમ ખાત્રી આપી હતી. તેમને આવનારા દિવસોમાં સરકારી નોકરીમા ખાલી જગ્યાઓને વહેલી તકે ભરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે એમ જહેરાત કરી હતી.
મંત્રીશ્રીએ શ્રમિકો માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપઈ હતી. જેમાં શ્રમિકના મૃત્યુ થાય તો પાંચ લાખની સહાય તેના પરિવારને મળશે, તથા બાળકોને ભણવા માટે શિક્ષણ સહાય, રહેવા માટે ઘર આમ અનેક સહાય ઉપલબ્ધ કરાવી છે એમ જણાવ્યું હતું. તેમણે આરોગ્ય લક્ષી સુવિધાઓ, વિદેશ અભ્યાસ સહિત વિવિધ યોજનાઓ અને બજેટમાં મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી સારામાં સારૂ બજેટ મંજુર કરવામાં આવ્યું છે એમ જણાવ્યું હ્તું.
તેમણે ખાસ કરીને ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં ફકત ગુજરાત રાજ્યમાં શ્રમિકોને ફક્ત 5 રૂપિયામાં ભોજન મળે છે. તે મુજબ તાપી જિલ્લાનો શ્રમિક ભુખો ન રહે તે માટે આપણા જિલ્લામાં નજીકના સમયમાં આ યોજના શરૂ કરવામાં આવશે. મંત્રીશ્રીએ તમામ ઉમેદવારોને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
રાજયકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતનું ભવિષ્ય યુવાનો છે. સરકાર આપના દ્વારે આવી રોજગારી આપે તેવું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા શક્ય બન્યુ છે. તેમણે યુવાનોને ફક્ત સરકારી નોકરીનો મોહ ન રાખી પ્રાઇવેટ કંપનીઓમાં પણ ખુબ સારી કામગીરી કરીએ તો ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકાય છે એમ સમજ આપી હતી. આ ઉપરાંત “રોજગાર સેતુ” પ્રોજેકટ અંતર્ગત કોલ સેન્ટરના માધ્યમથી કોઈપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સરકારી યોજનાની માહિતી ટેલિફોનીક માધ્યમ દ્વારા મળી રહે છે જેમાં તાપી જિલ્લાના ૨૫૪ પણ વધારે યુવાનોએ લાભ લીધો છે. આ ઉપરાંત “અનુબંધમ” વેબ પોર્ટલ માં તાપી જીલ્લાના ૭૩૫૭ ઉમેદવારો તથા ૧૯૫ નોકરીદાતા આજની તારીખે નોંધાયેલા છે એમ જણાવી તમામ રોજગાર વાંચ્છુકોને આ પોર્ટલ ઉપર નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા વર્ષ ૨૦૨૦મા રોજગાર કચેરીઓ દ્વારા સમગ્ર દેશમાં આપેલ ૩ લાખ અને ૮ હજાર યુવાનોને રોજગારી માંથી ગુજરાત રાજ્ય ૨ લાખ ૩૨ હજાર યુવાનોને રોજગારી આપી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે. આ ઉપરાંત Ministry of statistics and programme implementation (MOSPI), ભારત સરકાર દ્વારા થતા Periodic Labour Force Surveyના વાર્ષિક રિપોર્ટ જુલાઈ-૨૦૨૧ અનુસાર તમામ વય માટે થયેલ સર્વેમાં ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે જયારે ગુજરાતમાં માત્ર ૨.૦ ટકા જ છે જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે.
તેમણે કોઇ પણ વિસ્તારના વિકાસ માટે ઇન્ડસ્ટ્રી પણ જરૂરી છે ઇન્ડસ્ટ્રી હશે તો યુવાનોનું ભવિષ્ય બનશે એમ સમજ આપી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા અનુરોધ કર્યો હતો. આપણામાં રહેલી સ્કીલની બહાર લાવવા અને નિષ્ઠા પુર્વક કામ કરવા વિનંતી કરી હતી. તેમણે ગુજરાત રાજ્યમાં જી-20 સમિટ થાય એ ગૌરવની બાબત છે. ગુજરાતમા સમગ્ર વિશ્વ સમાય રહ્યું છે. તેમણે ગુજરાતની વર્તમાન સરકાર ખેડૂતોની સરકાર છે એમ જણાવ્યું હતું. તેમણે સૌને એક સાથે મળીને વિકાસની ધારામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. અંતે મંત્રીશ્રીએ તમામ ઉમેદવારોને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજે 14 કંપનીઓ રોજગારી આપવા ઉપસ્થિત રહ્યા છે. જેના દ્વારા 474 જેટલી જગ્યાઓ માટે નોકરી આપવામાં આવનાર છે. કલેક્ટરશ્રીએ ખાસ કરીને તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તાપી જીલ્લામાં ૩૨ ભરતીમેળા અને તેના દ્વાર ૧૧૩૭ ઉમેદવારોને રોજગારી મળેલ છે તથા ૪૪૨ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે પસંદગી પામેલ છે એમ જણાવ્યું હતું.
બોક્ષઃ-1
કાર્યક્રમમાં ખાસ કરીને ઉકાઇના વિસ્થાપિતો જેઓ વિવિધ નોકરીમાં પસંદગી પામેલા છે તેવા ઉમેદવારોને મંત્રીશ્રીઓ સહિત ઉપસથિત મહાનુભાવોના હસ્તે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત ગામીત મંગલાબેન વિજયભાઈ આકસ્મિત મૃત્યુ સહાય યોજના અંતર્ગત રૂ.૩,૦૦,૦૦૦/ ની સહાય જયારે ગામીત કિરણબેન મેહુલભાઈને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત રૂ.૨૫,૦૦૦/ ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે છેલ્લા 1 મહિનામાં કુલ-458 અને એક અઠવાડિયામાં કુલ-250 વિજ જોડાણ દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા આપવામાં આવતા લાભાર્થીઓને વીજ કનેક્શનનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા અને આભારદર્શન આચાર્યશ્રી આઇટીઆઇ ઇન્દુ, એમ.એસ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજ વસાવા, ધારાસભ્ય શ્રી ડો.જયરામભાઈ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા, ઇંચા.પ્રાંત વ્યારા હિમાંશુ સોલંકી, વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી શ્રીમતી સેજલબેન રાણા, મહામંત્રીશ્રી વિક્રમ તરસાડીયા, ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તાપી જિલ્લાના વિવિધ રોજગારવાંચ્છુંકશ્રીઓ તથા નોકરીદાતાઓ બહોળી સંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સુપેરે પારપાડવા આચાર્યશ્રી આઇટીઆઇ ઇન્દુ, એમ.એસ.પટેલ તથા જિલ્લા રોજગાર અધિકારીશ્રી વી.એસ.ભોયે દ્વારા અને રોજગાર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.