‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઓલપાડ નગરની કુમારી દ્દષ્ટિ પટેલ દ્વારા અનોખી ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશની લોકશાહી કે જ્યાં દેશના મતદારો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. દેશનું ચૂંટણી પંચ બંધારણની જોગવાઈ મુજબ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરે છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે કરવામાં આવી હતી. જેની સ્મૃતિરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૧૧ થી દર વર્ષની ૨૫મી જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
મતદારો તેમના અધિકારો સમજે, પોતાનાં મતદાનનું મહત્વ સમજે ઉપરાંત તેઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની સમજણ કેળવે એ આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે. ત્યારે નવોદિત ક્રિકેટરની જેમ નવોદિત મતદાર યુવક-યુવતીઓમાં પણ આગામી ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે, જેનો એક મજાનો કિસ્સો ઓલપાડ નગર ખાતે જોવા મળ્યો હતો. ઓલપાડ નગરનાં ઝાંપાફળિયામાં રહેતી યુવતી દ્દષ્ટિ વિજયભાઈ પટેલે અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી હતી. તેણીએ સ્વહસ્તે પોતાનો સંદેશ રંગોળી વડે કંડારી અન્યને આ વિશેષ દિવસની ઉજવણીનો સંદેશ પાઠવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે દ્દષ્ટિ અને તેણીની સખીઓએ આગામી ચૂંટણીમાં બિનચૂક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો.