નિઝરની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રૂમકીતળાવમાં દ્વિદલ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાનાં નિઝર તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રૂમકીતળાવમાં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે પરીક્ષા તનાવ મુક્તિ અને માર્ગદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરતથી પધારેલ શિક્ષણવિદ અને મોટીવેશનલ સ્પીકર પ્રકાશભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને બોર્ડની પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓએ પોતાના સંતાન પાસેથી કઈ અપેક્ષા રાખવી જોઈએ એની સ્પષ્ટતા કરવામાં આવી હતી તથા પરીક્ષામાં તણાવ ન રાખતા કઈ રીતે પરીક્ષાને પર્વ સમજીને ઉજવી શકાય તથા જે વિષયમાં કચાશ હોય તે કચાશને કઈ રીતે નિવારી શકાય તે અંગે પ્રવૃત્તિ સહ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આપણી હરીફાઈ આપણી સાથે જ હોઈ શકે કેમ કે દુનિયામાં વિવિધતા એ કુદરતી છે એ વાત આપણે સૌએ ધ્યાન પર લેવી જોઈએ એવું સૌને સમજાયું હતું.
સદર મોટીવેશનલ કાર્યક્રમ સાથે ગાંધી વંદનાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં વ્યારા સ્થિત નિવૃત્ત શિક્ષક ભીખુભાઈ રાઠોડ અને એમના સાથી ડાહ્યાભાઈ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ ગાંધીજીનાં જીવન પ્રસંગને સંગીતમય રીતે રજૂ કરવામાં આવ્યાં હતાં. સાથોસાથ બેટી બચાવો બેટી પઢાવો, પર્યાવરણ જાગૃતિ તથા દેશનેતાઓ વિશે પોસ્ટરો અને માહિતીપ્રદ કલેક્શન દ્વારા પ્રદર્શન યોજીને વિદ્યાર્થીઓને ખૂબ મહત્વની જાણકારી આપવામાં આવી હતી. દુહા છંદની રમઝટ દ્વારા અને અંતમાં હાસ્યનાં હુલ્લડ દ્વારા ભીખુભાઈએ સૌને રસ તરબોળ કરી દીધા હતાં.
આ પ્રસંગે તાપી જિલ્લા વિજ્ઞાનમેળામાં કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષિકા બહેનનું મહેમાનોને હસ્તે સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની દીકરીએ સુંદર પ્રાર્થના રજુ કરી હતી. શાળાનાં આચાર્ય કમલેશભાઈએ મહેમાનોનું સ્વાગત કરી પરિચય આપ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ કાર્યક્રમથી સંતુષ્ટ થયા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other