ડોલવણના ગડત ગામે નિરાધાર વિધવાની મદદે પહોંચ્યુ તાપી જિલ્લા વહીવટીતંત્ર
તાપી કલેકટર સુશ્રી ભાર્ગવી દવે ડોલવણ તાલુકાના ગડત ગામે નિરાધાર વિધવા મહિલાના ઘરે વહીવટીતંત્રની ટીમ સાથે પહોંચ્યા અને સરકારી યોજનાકીય લાભો આ પરિવારને તાત્કાલિક સ્થળ પર જ મળી રહે તે માટે સબંધિત અધિકારીઓને તાકીદ કરી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૮- તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામના ગોડાઉન ફળિયામાં રહેતા વિધવા વન્તીબહેનનો પરિવાર નિરાધાર હોવાની માહિતી મળતા જ કલેકટર સુશ્રી ભાર્ગવી દવે તાબડતોબ જીલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે આ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. ખરેખર જ જ્યારે આ પરિવારની સ્થિતિ નિહાળી અને દિવ્યાંગ બાળકોની દયનીય હાલત વિશે તાગ મેળવ્યો ત્યારે કલેકટર સુશ્રી ભાર્ગવી દવેનું માતૃહ્દય દ્રવી ઉઠ્યું. આ પરિવારને શક્ય એટલી બધી જ યોજનાકીય મદદ કરવા માટે સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી નિરાધાર પરિવારને પુરી મદદની ખાત્રી આપી હતી.
ગડત ગામના વન્તીબેન ગામીતની કહાની હ્દયદ્રાવક છે. તેમની માનસિક સંતુલન ગુમાવેલી દિકરીના એક દિકરો અને દિકરી, આ બંને સંતાનો દિવ્યાંગ છે. આ લોકોના આધારકાર્ડ પણ નથી અને યોજનાકીય લાભો માટે આધાર પુરાવા હોવા જરૂરી છે. ત્યારે આ ડોક્યુમેન્ટસ તૈયાર કરવા માટે તલાટીને તાકીદ કરી ઝડપથી આ પરિવારને મદદ કરવા સૂચના આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા ગુડ ગર્વનન્સ થીમને પ્રાધાન્ય આપી શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કલેકટર સુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી હાર્દિક સતાસીયા, બાળ અને સમાજ સુરક્ષા અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જયદિપ ગામીત અને તલાટીએ નિરાધાર પરિવારને મદદ કરવાની સંવેદનાસભર કામગીરી શરૂ કરી દીધી છે.
વિધવા સહાય,પાલક માતા-પિતા યોજના,આવાસ યોજના,દિવ્યાંગ સહાય યોજના સહાય માટે મેડિકલ સર્ટીફિકેટ વિગેરે માટે સબંધિત અધિકારીશ્રીઓને સત્વરે કાર્યવાહી કરવા કલેકટર સુશ્રી દવેએ ખાત્રી આપી હતી. મામલતદાર કચેરી દ્વારા આધાર રજીસ્ટ્રેશન,રેશન કાર્ડ,વિધવા સહાયની અરજી મંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રશાસન દ્વારા હંગામી ધોરણે આ પરિવાર માટે અનાજની કિટ,તેલ,લોટ,કપડા,નાસ્તો વિગેરે વ્યવસ્થા કરી આપી તાપી જિલ્લાની પહેલ પ્રશાસન ગાંવ કી ઓર સાચા અર્થમાં સાર્થક બની રહી છે.
૦૦૦૦૦૦