તાપી જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે વરદાન રૂપ સાબિત થઇ રહી છે ધન્વંતરિ આરોગ્ય રથની સેવાઓ

Contact News Publisher

“ગુજરાતમાં મારો ઈલાજ ફ્રીમાં થાય છે. મારો સમય પણ બચી ગયો અને શરીર પણ સારું થઈ ગયું.”: ગુલાબબેન શાહુ (બાંધકામ શ્રમિક છત્તિસગઢ)
…………..
એક અઠવાડિયા પહેલાં શરૂ થયેલ ધન્વંતરિ આરોગ્ય રથને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ: 17 સાઇટ ઉપર 405 થી વધુ મજૂરોએ મેળવી નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાનો લાભ
…………..
એક “વહીવટી એકમ” તરીકે નહિ પરંતુ ‘રિએલાઈમેન્ટ’ કરી વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરવા “અર્થતંત્રના એકમ” તરીકે કાર્ય કરવાની દિશામા ઝડપથી પ્રયાણ કરતું તાપી જિલ્લા તંત્ર
…………..
-આલેખન-વૈશાલી પરમાર
માહિતી બ્યુરો તાપી, તા.29: “દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે” આ ઉક્તિ રાજ્યના મૃદુ અને સરળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની છે જેમણે ગુડ ગવર્નન્સ અંતર્ગત સરકારને સંવેદનશીલતા સાથે વિકાસયાત્રામાં સામાન્ય માનવીને જોડવાનો સંદેશ આપ્યો છે. આ સેવાઓમાં શ્રમયોગીઓ બાકાત ન રેહે તેની તકેદારી રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા લેવાઇ રહી છે. શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાની સાથે આર્થીક સહાય પૂરી કરવા માટે મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 14 જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. શ્રમયોગીઓને કામના સ્થળે આરોગ્યલક્ષી નિ:શુલ્ક સારવાર મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અધ્યતન ટેકનોલોજી સુસજ્જ ધન્વંતરી આરોગ્યરથની સેવા બાંધકામ શ્રામીકો માટે શરૂ કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં ગુજરાત સરકારની આ પહેલની શ્રમયોગીઓ દ્વારા ખુબ સરાહના કરવામાં આવી રહી છે.

મૂડ રાજસ્થાનના વતની અને હાલ વ્યારા તાલુકાનાં મુસા ગામ ખાતે નિર્માણ પામી રહેલ એક બિલ્ડીંગમાં મજુર તરીકે કામ કરતા *અનિલભાઈ મહિડા* ગુજરાત સરકારની આ પહેલ વિશે પોતાનો પ્રતિભાવ આપતા જણાવે છે કે, “આઠ-દસ વર્ષથી મજૂરી કામ કરું છું ક્યારેય અમને આ પ્રકારની મફત સારવાર કામના સ્થળે મળી નથી. મને આંખની આંજણી થઈ છે. આજે અમારા સાઈટ ઉપર આવેલા ધનવંતરી આરોગ્ય રથમા મેં તપાસ કરાવી અને મને ડોક્ટરે દવા પણ આપી છે. ગુજરાત સરકારે અમારા વિશે વિચાર્યું એના માટે અમે સરકારશ્રીનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.”

તાપી જિલ્લામાં બાંધકામ શ્રમીક અને છત્તીસગઢના રહેવાસી ગુલાબબેન શાહ* આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવે છે કે, “મને પગમાં દુખાવાની તકલીફ હતી. આરોગ્યનો રથ આવ્યો તેમાં મને ફ્રી માં સારવાર મળી, દવા મળી છે મને હવે સારું છે. દસ વરસથી હું મજૂરી કામ કરું છું. પહેલી વાર મને કામના સ્થળે ફ્રીમાં સારવાર મળી છે. પહેલા મને કંઈ પણ થાય તો બહાર પૈસા ખર્ચવા પડતા હતા. ગુજરાતમાં મારો ઈલાજ ફ્રીમાં થાય છે. મારો સમય પણ બચી ગયો અને શરીર પણ સારું થઈ ગયું.”
તાપી જિલ્લામાં ગત 21-12 -2022 ના રોજ ધન્વંતરી આરોગ્ય રથની સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારથી 27 -12-2022 એટલે કે એક અઠવાડિયામાં આ રથ દ્વારા બાંધકામની કુલ ૧૭ સાઈટ ખાતે 405 જેટલા શ્રમિકોને સારવાર આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં કુલ 18665 જેટલા મજૂરો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ખાતે નોંધાયેલ છે.

આરોગ્ય રથમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ.બીજલ આ બાબતે જણાવે છે કે, “આરોગ્ય રથમાં અમે પાંચની ટીમ છે. જેમાં ડ્રાઇવર, પેરામેડિક, લેબ ટેકનિશિયન, લેબર કાઉન્સિલર અને ડોક્ટરનો સમાવેશ થાય છે. એક દિવસમાં બેથી ત્રણ સાઇટ કવર કરીએ છીએ. 20 થી 30 જેટલા કામ શ્રમિકોનું ચેકઅપ અને સારવાર કરીએ છીએ. જ્યારે અમે સાઇટ ઉપર નાની મોટી ઇજા માટે સારવાર કે બ્લડ પ્રેશર, લોહીની તપાસ,ડાયાબિટીસ માટે લેબોરેટરીની સારવાર આપીએ છીએ ત્યારે તેઓ નવાઈ પામે છે અને ખુશ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા એમને આવી સારી સુવિધા કામના સ્થળે ઉપર અને નિશુલ્ક મળી રહી છે.”

ધન્વંતરિ આરોગ્ય રથમાં ઉપલ્બ્ધ સેવાઓ
બાંધકામ શ્રમિકોની નોંધણી, બાંધકામ સાઈટો,કડીયાનાકા અને શ્રમિકોની વિના મુલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણીએ કરી ઇ-નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા, શ્રમિક પરામર્શ અને યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ તબીબી સેવાઓ જેમાં તાવ, ઝાડા, ઉલ્ટીની સારવાર, સામાન્ય રોગોની સારવાર, ચામડીના રોગોની સારવાર, રેફરલ સેવાઓ, નાની ઈજા તેમજ ડ્રેસિંગ વગેરેની સુવિધા, નાના બાળકોની સારવાર,સગર્ભા માતાની પ્રાથમિક તપાસ જેવી સેવાઓ આ સાથે લેબોરેટરી સેવાઓ જેમાં હિમોગ્લોબીનની તાપસ, મેલેરીયાની તપાસ, પેશાબની તપાસ, લોહીમાં સુગરની તપાસ, પ્રેગનન્સી ટેસ્ટ વગેરે સહિત ડોક્ટરની સલાહ-સુચન તેમજ જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.
અત્રે નોંધનિય છે કે, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત ૧૪થી વધુ કલ્યાણકારી યોજનાઓ દ્વારા બાંધકામ શ્રમિકને આર્થીક સહાય આપવામાં આવી રહી છે. જેનો લાભ લેવા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી જરૂરી છે. તાપી જિલ્લામાં નોધણી કરાવવા અરજદારોએ નજીકના ગ્રામ પંચાયતના E-Gram સેન્ટર કે સીએસસી સેન્ટરોનો સંપર્ક કરવો અથવા જિલ્લા ખાતે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-તાપીની કચેરી, સરકારી શ્રમ અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન, બ્લોક નં-૧૨, પાનવાળી, વ્યારા, તાપી અથવા ફોન નં.૦૨૬૨૬-૨૨૧૦૭૦ ઉપર સંપર્ક કરી શકાય છે.
રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે સંવેદનશીલ અભિગમ ધરાવતી ગુજરાત સરકાર શ્રમયોગીઓને આર્થીક અને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડી તેઓને મદદરૂપ બની રહી છે. પ્રજા અને સરકાર વચ્ચેનો સંવાદ અસરકારક બને તેવા પ્રયત્નો તમામ જિલ્લા કક્ષાએ હાથ ધરાઇ રહ્યા છે જે અન્વયે તાપી જિલ્લામાં ધન્વંતરી આરોગ્ય રથ સરકારની સેવાઓ શ્રમિકો સુધી સીધા પહોચાડી રહ્યા છે. આમ તાપી જિલ્લા તંત્ર પોતાને એક “વહીવટી એકમ” તરીકે નહિ પરંતુ ‘રિએલાઈમેન્ટ’ કરી વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરવા “અર્થતંત્રના એકમ” તરીકે કાર્ય કરવાની દિશામા ઝડપથી પ્રયાણ કરી રહ્યું છે.
000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *