ઘેર-ઘેર સંસ્કરણ’નાં સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ
ઘેર-ઘેર સંસ્કાર આપો : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૨૫ ઘેર-ઘેર ગાય પાળો, ઘેર -ઘેર વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરો જેવાં સંદેશ આપતી સુરત જિલ્લાનાં તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ કોમી એકતાનાં દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટામિયાંબાવાની દરગાહ ગાદી ખાતે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ તારીખ 24/ 12/ 2022 થી થયો છે.
ઉર્સનાં પ્રથમ દિવસે રહેઠાણ પાલેજથી મોટામિયાં માંગરોળની ગાદીનાં હાલનાં ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તેમનાં સુપુત્ર ઉત્તરાધિકારી ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટરમાર્ગે વાયા અંકલેશ્વર, વાલીયા થઈ મોટામિયાં માંગરોળ આવી પહોંચતાં અંકલેશ્વર, વાલીયા તેમજ દરગાહનાં પ્રવેશદ્વાર પર વિવિધ કોમનાં આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા મોટામિયાં બાવાની દરગાહ પર હાજરી આપી કોમી એકતા અને ભાઇચારાના માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. બપોરે લગભગ 4:00 કલાકે દરગાહ ખાતેથી સંદલનું જૂલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફર્યુ હતું. ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીનાં હસ્તે સંદલ શરીફની વિધિનો આરંભ થયો હતો. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘેર-ઘેર ગાય પાળો, ઘેર -ઘેર વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરોનો સમન્વય એટલે જ ઘેર-ઘેર સંસ્કાર આપો અર્થાત ઘેર – ઘેર સંસ્કરણ જે યુવા પેઢી માટે હાલનાં સમયની તાતી જરૂરીયાત છે.
આ કાર્યક્રમમાં પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ઉપરાંત પીર ડો. મતાઉદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, ફરીદુદ્દીન મોઇનુદ્દીન ચિશ્તી તેમજ કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મેહમાનો પણ જોડાયા હતા. વર્તમાન સ્થિતિ જોતાં ડૉ. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા સરકારશ્રીની કોવીડ ગાઈડ લાઈનનું પાલન કરવા, માસ્ક પહેરવા વિશેષ અનુરોધ કરેલ હતો. તા. 25 /12 /2022નાં રવિવારે ચિરાગીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે 15 દિવસ સુધી ચાલશે.
ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી છે. તેમજ વિવિધ પ્રકારની ચકડોળ, દુકાનો ખાણી-પીણીનાં સ્ટોલો પણ આવેલા છે. ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય રહે એ માટે વહિવટીતંત્ર તેમજ પોલીસ દ્વારા પણ ખુબ સારો સહકાર મળી રહ્યો છે અને બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે.