ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનાં ‘સુશાસન દિવસ’ની ઉજવણીમાં તાપી જિલ્લા સહીત અન્ય તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બન્યા
માહિતી બ્યુરો તાપી, તા.25: કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તા.૨૫ ડિસેમ્બરના રોજ ‘ગુડ ગવર્નન્સ ડે’ એટલે કે ‘સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં તા.૧૯ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી રાજ્યના દરેક જિલ્લામાં ‘સુશાસન સપ્તાહ’નું આયોજન કરવામાં આવતું હતું. આ સાથે આજરોજ રાજ્યકક્ષાએ યોજાયેલા ‘સુશાસન દિવસ’ની ઉજવણીમાં તાપી જિલ્લા સહીત અન્ય તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી આર. જે. વલવી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે-સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતેથી આજે ગુડ ગવર્નન્સના ઇનિશીએટીવના ભાગરૂપે વિવિધ વિભાગોના ૧૨ જેટલા પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, સુશાસન અને ઈ-ગવર્નન્સ એ કોઈ વ્યકિતથી નહી પણ ટીમ સ્પીરીટ અને ટીમ વર્કથી જ આવી શકે છે. તેમણે સુશાસન ટકાવી રાખવા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ. આ સાથે મુખ્યમંત્રીશ્રી સહીત મહાનુભાવોના હસ્તે વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 ના “શ્રેષ્ઠ કલેક્ટર” અને “શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી” એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, તાપી જિલ્લાના પૂર્વ કલેકટર શ્રી એચ. કે. વઢવાણિયા ને “શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી વર્ષ 2017-18” માટે ડાંગ જિલ્લા માટે એવોર્ડ પ્રાપ્ત થતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
00000