ઓલપાડની સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાનાં આચાર્ય જગદીશચંદ્ર પ્રજાપતિનું વિશિષ્ટ સન્માન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પ્રદર્શન સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કોબા ગામે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે વર્ષ 2021 – 22 માં વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર શિક્ષકશ્રીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાનાં આચાર્ય જગદીશચંદ્ર પરસોત્તમભાઈ પ્રજાપતિનું વિશિષ્ટ કામગીરી બદલ શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું જે સાયણ ગામ માટે ખૂબ ગર્વની વાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ પ્રજાપતિ મુંબઈ ખાતે યોજાયેલ અખિલ ભારતીય નિબંધ સ્પર્ધામાં વિજેતા બન્યા હતા અને રોકડ ઇનામ પણ મેળવ્યું હતું. આ સાથે ચાલુ વર્ષે સાયણ સુગર શાળાની ધોરણ પાંચની વિદ્યાર્થીની અંજની જગદીશભાઈ ભરવાડ તાલુકા કક્ષાએ યોજાયેલ વાર્તા સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવ્યો હતો અને વર્ષ 2020 માં એમના માર્ગદર્શન હેઠળ શાળાનાં વિદ્યાર્થી ચિરાગ જયરામભાઈ યાદવ ગુજરાત ગૌરવ દિન ઉજવણી અંતર્ગત યોજાયેલ નિબંધ સ્પર્ધામાં સમગ્ર સુરત જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને રૂપિયા 15,000 નું માતબર ઇનામ પણ મેળવ્યું હતું. જે બદલ સાયણ ગામના સરપંચ જીજ્ઞાસાબેન ઠક્કરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.