તાપી જિલ્લામાં નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
પ્રચંડ જનાદેશ સાથે તમામ ધારાસભ્યોનો ઐતિહાસિક વિજય બદલ શુભેચ્છાઓ પાઠવી મતદારોનો આભાર વ્યક્ત કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા
………………..
ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખના સુભગ સમન્વય સાથે તાપી જિલ્લાનો વિકાસ કરીએઃ
– જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
………………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૩- તાપી જિલ્લા પંચાયત (ઓડિટોરીયમ) હોલ ખાતે આજરોજ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનો અભિવાદન કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા ૧૭૦-મહુવા, મોહનભાઈ કોંકણી ૧૭૧-વ્યારા, ડો.જયરામભાઈ ગામીત ૧૭૨- નિઝર વિધાનસભા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, પ્રચંડ જનાદેશ સાથે તમામ ધારાસભ્યોનો ઐતિહાસિક વિજય બદલ સમગ્ર જિલ્લા પંચાયત વતી શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે તમામ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. પ્રમુખશ્રી વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૧મી સદી વિકાસની સદી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ લોકશાહીના પર્વને આપણે ઉજવ્યું છે. આજે વિકાસની ધારા ગામે ગામ પહોંચી છે અને તાપી જિલ્લામાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આપણે સૌ સાથે મળીને તાપી જિલ્લાને અગ્રીમ હરોળમાં લઇ જવા પ્રયાસ કરીશું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે, શાસન વ્યવસ્થામાં જિલ્લા પંચાયતએ ચૂંટાયેલી પાંખ છે. જિલ્લા પંચાયતની તમામ શાખાના અધિકારી/કર્મચારીશ્રીઓની વહીવટી પાંખ દ્વારા સુભગ સમન્વય સાથે વહીવટ ચાલતો હોય છે. પૂર્વ વડાપ્રધાન શ્રધ્ધેય અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરના દિવસને ‘સુશાસન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે આપણે સૌ સુશાસન દિવસની સાથે સાથે નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનો અભિવાદન કાર્યક્રમ પણ કરી રહ્યા છીએ. વહીવટી સત્તાની સાથે ચૂંટાયેલી પાંખની ભૂમિકા અનોખી હોય છે. આમજનતાની રજૂઆતો તેમના માધ્યમથી આવતી હોય છે. એ જવાબદારી સંયુક્ત રીતે નિભાવવાની હોય છે. આપણે સૌ સાથે મળીને ખૂટતી કડીના કાર્યો કરીશું.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જંગી બહુમતીથી ચૂંટાવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારની જનતાએ સ્વિકાર કર્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિ અને વહીવટી પાંખ સાથે મળીને લોકોના કામો થાય, અહીંના વિસ્તારને કરોડો રૂપિયાની સિંચાઈની યોજના મળી છે. નાનામાં નાના માણસને રહેવાનું ઘર મળે, નલ સે જલ મળે તથા નાના કામોને લક્ષમાં લઈને સાચા અર્થમાં વિકાસને સાર્થક કરીશું.
૧૭૧ વ્યારા વિધાનસભામાં ઐતિહાસિક જીત મેળવનાર ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતે ખૂબ સહકાર આપ્યો છે. અમારા દરેક કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે. તાપી જિલ્લાના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરૂં છું. આપ સૌનો સહકાર મળ્યો છે. આપણે દરેક પ્રશ્નનો ઉકેલ સાથે મળીને કરશું.
૧૭૨ નિઝર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારી/કર્મચારીઓએ ખૂબ સારૂ સંકલન કરીને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. સાથે તાપી જિલ્લો મતદાન કરવામાં મોખરે રહ્યો છે. આપણાં જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ત્યારે આપણે સૌ એકબીજાના પૂરક છીએ. પરિવાર ભાવનાથી કામ કર્યું છે. દરેક વિભાગની સારી કામગીરી રહી છે. જયરામભાઈ ગામીતે તમામ મતદારોનો આભાર માન્યો હતો.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ નિયામક શ્રી આર.એચ.રાઠવાએ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ચીખલી પ્રાથમિક શાળાની બાલિકાઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજુ કરી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.
અભિવાદનના આ પ્રસંગે સંગઠન પ્રભારી અશોકભાઇ ધોરાજીઆ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અર્જુનભાઇ ચૌધરી, પદ્મશ્રી રમીલાબેન ગામીત, વિક્રમભાઈ તરસાડિયા, પંકજભાઇ ચૌધરી, મયંકભાઈ જોષી, રાહુલભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ યાકુબભાઈ ગામીત- ઉચ્છલ, જશુબેન ગામીત- વ્યારા, બચુભાઈ કોંકણી- ડોલવણ, જિલ્લા/તાલુકાની તમામ સમિતિના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતની તમામ શાખાઓના અધિકારી/કર્મચારીશ્રીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦