તાપી જિલ્લા ખાતે રા.ક.મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને સંકલન અને વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ
તાપી જિલ્લો આદિવાસી જિલ્લો હોય નાગરિકો સાથે સંવેદનશીલતા દાખવી કામગીરી કરવા તાકીદ કરતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
……………..
તાપી જિલ્લામાં તંત્રની જવાબદારી વધારે છે. તંત્રએ પ્રો-એક્ટિવ બની નાગરિકોને યોજનાઓનો લાભ આપવાનો છે: જિલ્લા કલેક્ટર શ્રી ભાર્ગવી દવે
……………..
માહિતી બ્યુરો,તાપી.તા.૧૭: આજરોજ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સંકલન સમિતી અને વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે યોજાઈ હતી.
બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ સૌ અધિકારીઓને સંવેદનશીલતા દાખવી કામગીરી કરવા તાકીદ કર્યા હતા. તેમણે વિભાગ અનુસાર વિગતવાર માહિતી મેળવી જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને બીજો અને ત્રીજો હપ્તો વહેલી તકે મળી જાય તેવું આયોજન કરવું, આ સાથે જિલ્લાની સખી મંડળની બહેનો આર્થીક રીતે પગભર બને તેવા પ્રયાસો હાથ ધરવા તથા દરેક ગામમાં રમતગમતના મેદાનો બને તે માટે સક્રિય આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે પ્રાયોજના વહીવટીદારશ્રી ની કચેરી દ્વારા જે-તે યોજનાઓની ગ્રાન્ટ આપી તેનો રીવ્યુ તથા તે કયા તબક્કામાં છે તેની માહિતી લેવા તથા જે એજન્સીઓ કામ ન કરતી હોય તેઓને તાત્કાલિક ધોરણે છુટા કરવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત તેમણે અનાજનો પુરવઠો સમયસર લાભાર્થીઓને મળી રહે તેની ખાસ કાળજી રાખવા સંબંધિત અધિકારીને જણાવ્યું હતું.તેમણે ખાસ કરીને સોનગઢ તાલુકામાં આદિવાસી બાળકો માટે સૈનિક સ્કૂલ શરૂ કરવા યોગ્ય જમીન પસંદ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે ‘નળ સે જળ’ યોજના હેઠળ દરેક લાભાર્થીને પાણી મળી રહે તથા તૂટેલી પાઇપલાઇનનો તાત્કાલિક ધોરણે રિપેર થાય તે માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી.
મંત્રીશ્રીએ વધુમાં ખેત વીજ કનેક્શન માટે આવતી અરજીઓને તાત્કાલિક ધોરણે મંજૂરી આપવા સુચન કર્યું હતું. આ સાથે ઉકાઇના વિસ્થાપિતો માટે ખાસ રોજગાર મેળાનું આયોજન કરી તેઓને વહેલી તકે આર્થિક રીતે સધ્ધર કરવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. આ સાથે ઉંચા માળાથી સિસોર જતો રસ્તો 7.5 મીટર પહોળો કરવા દરખાસ્ત કરવા સુચન હતું. તેમણે તમામ અધિકારીઓને તાપી જિલ્લો આદિવાસી જિલ્લો હોય નાગરિકો સાથે સંવેદનશીલતા દાખવી કામગીરી કરવા અને કોઇ લાભાર્થીને અન્યાય ન થાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે સૌ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં તંત્રની જવાબદારી વધારે છે. આ જિલ્લામાં તંત્રએ પ્રો-એક્ટિવ બની નાગરિકોને યોજનાઓનો લાભ આપવાનો છે. તેમણે તમામ અધિકારીઓને પોતાના વિભાગોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી કાપડિયાએ જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ યોજનાઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજના અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે વલવીએ કર્યું હતું. બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મંત્રીશ્રીને વિભાગની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.
000000000