ભગવાનશ્રી અય્યપ્પાની કેએપીએસ ટાઉનશીપ અણુમાળા ખાતે યોજાનાર પૂજાની શ્રદ્ધા અને ઉમંગભેર તૈયારીઓ શરૂ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાતમાં એકમાત્ર એવા કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે કાર્યરત કર્મચારીઓ તેમના પરિવારો સાથે કેએપીએસ ટાઉનશીપ અણુમાળા ખાતે નિવાસ કરે છે. અહી વસતા પરિવારો ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવતાં હોવાથી અહી વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓનો સંગમ જોવા મળે છે. અહી ભારતના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમના પ્રદેશોમાં ઉજવવામાં આવતા તહેવારો અને ઉત્સવોનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે જેમાં તમામ રહેવાસીઓ ઉત્સાહભેર સામેલ થાય છે.
મુખ્યત્વે દક્ષિણના કેરળ રાજયમાં ખૂબ મહત્વ ધરાવતા ભગવાન શ્રી અય્યપ્પા પુજાનું આયોજન પણ અણુમાળા ખાતે દર વર્ષે ડિસેમ્બર માહિનામાં કરવામાં આવે છે. દક્ષિણ ભારતીયોમાં આસ્થાનું અનેરું સ્થાન ધરાવતા ભગવાન શ્રી અય્યપ્પાનું પ્રાચીન અને ઔલોકિક મંદિર કેરળના શબરીમાળા ખાતે આવેલ છે. ભગવાન શ્રી અય્યપ્પાને ભગવાન શિવ અને માતા મોહિનીના પુત્ર માનવામાં આવે છે. મોહિની જે ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે જે તેમણે સમુદ્રમંથન વખતે દાનવોનું ધ્યાન ભટકાવા માટે ધારણ કર્યું હતું. ભગવાન શિવ અને વિષ્ણુ થકી ઉત્પન્ન થવાને કારણે ભગવાન શ્રી અય્યપ્પાને હરિહરપુત્ર પણ કહેવામા આવા છે. ભગવાન શ્રી અય્યપ્પાને હરિહરપુત્ર ઉપરાંત અયપ્પન, શાસ્તા, મણિકંડન જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. કેરળ રાજ્ય પોતાની સુંદરતા અને આકર્ષક વનસ્પતિઓ અને જીવોની સાથોસાથ પ્રાચીન મંદિરોની સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે અને તેથીજ કેરળને “લેન્ડ ઓફ ગોડ” કહેવાયું છે.
આશરે ૩૫ વર્ષોથી અણુમાળા ખાતે આયોજન કરવામાં આવતી ભગવાન અય્યપ્પા પૂજાના આયોજન સમિતિના જણાવ્યા મુજબ અહી ભગવાન શ્રી અય્યપ્પાની સ્થાપના તારીખ ૦૮ ડિસેમ્બર અને મુખ્યપૂજા તારીખ ૧૮ ડિસેમ્બરે રહેશે અને આ દરમ્યાન વિવિધ પ્રકારની પૂજા-અનુષ્ઠાન, લક્ષ્યાર્ચના, અન્નદાન, મધ્યાહ્ન પૂજા, શોભાયાત્રા વગેરેનું આયોજન કરવામાં આવશે. શરૂઆતમાં આ પુજા ૪૧ દિવસો ચાલતી હતી પરંતુ હવે કેટલાક વર્ષોથી ૧૧ દિવસો સુધીજ કરવામાં આવે છે. ૧૮ ડિસેમ્બરના રોજ મુખ્ય પૂજાનું આયોજન કરવામાં આવશે જેમાં ભગવાન શ્રી અય્યપ્પાની શોભાયાત્રા, દીપોનું પ્રાગટ્ય, મહા આરતી કરવામાં આવશે. મુખ્ય પૂજાના સ્થળની સજાવટ દક્ષિણ ભારતના મુખ્ય પાક એવા નાળિયેરી અને કેળાના પાન વડે કરવામાં આવશે. શોભાયાત્રા દરમ્યાન કેરળના પારંપારિક વાજિંત્રો વગાડનાર વૃંદ અને ગજરાજની ખાસ ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બને છે. ગજરાજની ઉપસ્થિતિ ભગવાન શ્રી અય્યપ્પાની પૂજામાં આદરનું પ્રતિક છે. મુખ્ય પૂજામાં અણુમાળાવાસી અબાલવૃદ્ધો ઉત્સાહભેર ભાગ લે છે. પૂજાના સમાપન બાદ ૦૮ થી ૧૦ ભક્તો કેરળના શબરીમાળા મદિરે ભગવાન શ્રી અય્યપ્પાના દર્શન માટે પ્રસ્થાન કરશે. આ ભક્તો કે જેને સ્વામી કહેવામા આવે છે તેઓ શબરીમાળા મંદિર સુધીની યાત્રા દરમ્યાન પગરખાં વિના ખુલ્લા પગે યાત્રા કરે છે.