કેવિકે વ્યારા ખાતે વિશ્વ જમીન દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી થકી જમીનની જાળવણી વિષય ઉપર તાલીમ યોજાઇ હતી. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૫૫ ખેડૂત ભાઇઓ અને બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
સુશ્રી ભાર્ગવી દવે, માન. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી, તાપી દ્વારા ખેડૂત મહિલાઓના કાર્યોને બિરદાવવામાં આવ્યા હ્તા. તેમણે કૃષિ અને સામાજીક ક્ષેત્રે મહિલાઓના યોગદાનો ઉદાહરણો આપી વિસ્તૃત રીતે સમજાવ્યા હતા. વધુમાં તેમણે જમીન જાળવણીના મહ્ત્વ વિશે સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને આગળ વધવા હાંકલ કરી હતી.
ડો. સી. ડી. પંડયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યુ હતુ. વધુમાં તેમણે જમીનની પોષકતા દિવસે-દિવસે ઘટતી જોવા મળે છે એના વિષે ચિંતા વ્યકત કરી હતી અને વિશ્વ જમીન દિવસે નિમિત્તે તાપી જિલ્લાના ખેડૂતોને જમીનની ગુણવત્તા સુધારવા અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રી ચેતન ગરાસીયા, જિલ્લા ખેતી અધિકારી, તાપી દ્વારા જમીનની જાળવણી માટે રસાયણીક ખાતરોનો ઉપયોગ ઘટાડવા તેમજ જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જરૂરીયાત મુજબજ ખાતરોનો ઉપયોગ કરવા અને ઇકો સિસ્ટમની જાળવણી કરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
ડો. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા બાગાયતી પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે “ જમીન જાળવણીનું મહત્વ” વિષય ઉપર વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સદર કાર્યક્રમમાં ડો. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તણ શિક્ષણ) દ્વારા જમીન ચકાસણીની પધ્ધતિઓ વિડીયો ફિલ્મના માધ્યમથી ખેડૂતોને સમજાવવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં શ્રી એ. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા-તાપી,ડૉ. સ્મીત લીંન્ડે, હેડ, સેંટર ઓફ એક્સીલન્સ ઇન એક્વાક્લ્ચર, ઉકાઇ અને કેવિકેના વૈજ્ઞાનિકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડો. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન) દ્વારા કરવામાં આવી હતી.