વ્યારા નગર સ્થિત સિનિયર સિટિઝન ક્લબ ખાતે ક્લબના સભ્યોએ મતદાન જાગૃતિના શપથ લીધા
માહિતી બ્યુરો,તાપી.તા.25: આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે ત્યારે વ્યારા નગર સ્થિત સિનિયર સિટિઝન ક્લબ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા ક્લબના પ્રમુખશ્રી સુભાષભાઇની ઉપસ્થિતીમાં સિનિયર સિટિઝન ક્લબ સભ્યોને મતદાન જાગૃતિના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
આ પ્રસંગે કલેક્ટરશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આગાઉની ચૂંટણીમાં 79 ટકા જેટલું મતદાન થયું હતુ. આ વર્ષે તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેવી આશા વ્યક્ત કરી હતી અને તમામ સિનિયર સિટિઝનોને આગામી 1 ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી તંત્ર દ્વારા સિનિયર સિટિઝનો માટે ખાસ સુવિધાઓ ઉપલ્બધ કરી છે. જે મતદારો મતદાન બુથ સુધી જવા સક્ષમ ન હોય તેવા વરિષ્ઠ નાગરિકોને માટે ઘરઆંગણે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકશે. જેનો મહત્તમ લાભ લેવા માટે આહવાન કર્યું હતું. તાપી જિલ્લામાં 8956 મતદારો 80 વર્ષથી ઉપરના છે. આ તમામ મતદારોને ભારત ચૂંટણી પંચમાં દેશના 80 વર્ષથી ઉપરના તમામ વરિષ્ઠ નાગરિકોને આટલા વર્ષોથી સતત ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે લોકશાહીમાં ભાગીદારી નોંધાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં કલેક્ટરશ્રીએ તમામ સિનિયર સિટિઝનને આગામી 28 નવેમ્બરે સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે 4 વાગ્યે યોજાનાર “ચૂંટણીના અવસર પર રચિત ગરબા” કાર્યક્રમમાં જોડાવા તમામને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦