ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર મહેશ પટેલ તથા હર્ષદ ચૌહાણનો સત્કાર સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સર્વ શિક્ષા અભિયાન મિશન હેઠળ ઓલપાડ તાલુકાનાં ઓલપાડ ક્લસ્ટરમાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે છેલ્લાં 20 વર્ષથી ફરજ બજાવતાં શિક્ષક એવાં મહેશભાઈ પટેલની વહીવટી ધારાધોરણ મુજબ પ્રતિનિયુક્તિ પૂર્ણ થતાં તેમનાં અનુગામીરૂપે કરમલા પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક હર્ષદભાઈ ચૌહાણ નિયુક્ત થયેલ છે.
ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કો-ઓર્ડિનેટર મહેશભાઇ પટેલની કામગીરીને બિરદાવવા ઉપરાંત નવનિયુક્ત સી.આર.સી. કો-ઓર્ડીનેટર તરીકેનો પદભાર સંભાળનાર હર્ષદભાઈ ચૌહાણને સત્કારવાનો દ્વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડીનેટર બ્રિજેશભાઇ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા સંઘનાં હોદ્દેદારો, ઓલપાડ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકો તથા તમામ સી.આર.સી. કો-ઓર્ડીનેટરો મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
ઓલપાડનાં કેન્દ્રાચાર્યા શ્રીમતી કૈલાશબેન વરાછીયાએ ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કેન્દ્ર શાળાનાં શિક્ષકગણે મહેશભાઈ તથા હર્ષદભાઇનું પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. તદુપરાંત કેન્દ્ર સંલગ્ન મુખ્યશિક્ષક ભાઈ-બહેનોએ મહેશભાઈને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતાં. બીજી તરફ મહેશભાઈ તથા તેમનાં ધર્મપત્ની પ્રતિમાબેન દ્વારા કેન્દ્ર સંલગ્ન પ્રત્યેક શાળાને ચાંદીની ગણેશજીની મૂર્તિ સ્મૃતિરૂપે અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયામાં મહેશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે સર્વ શિક્ષા અભિયાનની અપેક્ષિત કામગીરીને પૂર્ણ કરવા મને જે સહકાર સાંપડયો છે તે બદલ હું સૌનો આભારી છું. આ સાથે હર્ષદભાઈ ચૌહાણે પોતાનાં પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે પરસ્પરનાં સંકલન થકી શિક્ષણ જ્યોતને આપણે ખભેખભા મિલાવી પ્રજ્વલિત રાખવાનાં સંન્નિષ્ઠ પ્રયાસો કરતાં રહીશું.
કાર્યક્રમનાં અંતમાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા બી.આર.સી. કો-ઓર્ડીનેટર બ્રિજેશ પટેલે બંને સી.આર.સી કો-ઓર્ડીનેટરમિત્રોનાં સ્વભાવ અને કામગીરીને બિરદાવી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે બંને મિત્રોને ટેલીફોનીક શુભેચ્છા પાઠવી હતી. અંતે આભારવિધિ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ એવાં સ્થાનિક શાળાનાં ઉપશિક્ષક દેવાંગ્સુ પટેલે આટોપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક રાજેશભાઈ પટેલે કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.