મધ્યપ્રદેશના ભૂલા પડેલા માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાતી “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી
પરીવારે તાપી અને મધ્યપ્રદેશ સખી વન સ્ટોપ સેન્ટરની કમગીરીની સરાહના કરી
……………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.15: તાજેતરમાં વ્યારાના રહેવાસી સશીકાંતભાઈ સિરસાટ અને મરીયમબેનને કણજા ફાટક પાસે એક માનસિક અસ્વસ્થ મહિલા મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતાં તેમનું નામ સરનામું કંઈ પણ ન જણાવા મહિલાને આશ્રય અને કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતા તેઓએ મહિલાને તાપી જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી સંલગ્ન “સખી” વન સ્ટોપ સેન્ટર જનરલ હોસ્પિટલ કેમ્પસ વ્યારા ખાતે લઇ આવ્યા હતા. “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરતા મહિલા રતલામ(મધ્યપ્રદેશ)ના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સંચાલક ઓડ દક્ષાબેન અને કેસ વર્કર ગામીત નિતાબેનનાઓ દ્વારા મધ્યપ્રદેશના રતલામ અને જાંબુઆ જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ટેલિફોનિક સંપર્ક કરી તપાસ કરતાં જાંબુઆ જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશ્રિત મહિલાના ભાઈનો સંપર્ક નંબર મેળવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના ભાઈને ટેલિફોનિક સંપર્ક કરી મહિલાએ જણાવેલ નામ અને પ્રાથમિક માહિતી આપતા ચાર દિવસની કાઉન્સીલીંગ બાદ પરિવારને જરૂરી આધાર પુરાવા સાથે આશ્રિતને લેવા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવ્યા હતા.
સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાને છ દિવસ આશ્રયસ્થાનમાં રાખવામાં આવ્યા હતા. જેમાં મહિલાને તમામ પ્રાથમિક જરૂરીયાત પૂરી પાડવામાં આવી હતી. આશ્રય દરમિયાન મહિલા સાથે કાઉન્સેલિંગ કરતાં માનસિક અસ્વસ્થ જણાતા સેન્ટરના સ્ટાફ દ્વારા તેઓને વ્યારાની જનરલ હોસ્પીટલ ખાતે મનોચિકિત્સક વિભાગના ડૉક્ટર વિશાલ ગાંધી પાસે સારવાર કરાવવામાં આવી હતી. તેમજ મહિલાને થતી અન્ય તકલીફ બાબતે પણ ચેકઅપ કરાવી સારવાર કરી સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યુ હતું. તારીખ ૧૨/૧૧/૨૦૨૨ના રોજ આશ્રિત બહેનના પિતા અને ભાઈ લેવા માટે આવતા જેમની ખાતરી આશ્રિત મહિલાએ તેમના પિતા અને ભાઈ તરીકે ઓળખાણ આપી કરી હતી. મહિલાના પરિવારજનો સાથે કાઉન્સેલીંગ કરી મહિલાની માનસિક સારવાર ચાલુ રાખે તે બાબતે ડૉક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી.
માનસિક રીતે અસ્વસ્થ મહિલાને સેન્ટર ખાતે ઘર જેવું વાતાવરણ પુરુ પાડી સેન્ટર દ્વારા આપવામાં આવતી તમામ સહાય જેમકે, તબીબી સારવાર, કાઉન્સેલિંગ, કાયદાકીય સહાય, આશ્રય સેવા પુરી પાડવામાં આવી હતી. તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ડૉ.મનિષાબેન મુલતાનીના સતત માર્ગદર્શન હેઠળ આશ્રિત મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી મહિલાને સહી સલામત પરિવારજનો સાથે ભેટ કરાવી હતી. મહિલાઓનું પરીવાર સાથે મિલન થતા પરીવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરીવારે તાપી અને મધ્યપ્રદેશ સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરીની સરાહના કરી અધિકારી-કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે નોંધનિય છે કે, સખી વન સ્ટોપ સેન્ટર એવુ સેન્ટર છે કે જે ૨૪ કલાક મહિલાઓની સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત રહે છે. સખી વન સ્ટોપ સેન્ટર ભારત સરકારનું સેવા અર્થે પુરસ્કૃત સેન્ટર છે. આ સેન્ટરમાં મહિલાઓને એક જ છત નીચે પાંચ પ્રકારની સહાય જેમાં આશ્રય, કાઉન્સેલિંગ,તબીબી,પોલીસ અને કાનુની સહાય મહિલાઓને નિ:શુલ્ક અપાય છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦