ઓલ ઇન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનની જનરલ કાઉન્સિલિંગ મિટિંગ મેઘાલયનાં શિલોંગ ખાતે યોજાઈ
OPSની લડત માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા દેશમાંથી ભારતયાત્રા ચાર ઝોનમાં નીકળી તમામ રાજ્યનો પ્રવાસ કરી દિલ્હી ખાતે ધરણા કરશે
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલ ઇન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનની જનરલ કાઉન્સિલિંગ મિટિંગ મેઘાલયનાં શિલોંગ ખાતે યોજાઇ હતી. આ મિટિંગમાં ઓલ ઇન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનનાં પ્રમુખ રામપાલ સિંહ, વાઇસ પ્રેસીડન્ટ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ફેડરેશનનાં કાઉન્સિલર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતાં.
સદર મિટિંગમાં શિક્ષણ વિષયક વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત OPS ની લડત માટે આગામી દિવસોમાં કેન્દ્ર સરકારને રજૂઆત કરવા બાબતે પણ સઘન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
એક વાતચીતમાં કાઉન્સિલર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનનું આગામી અધિવેશન મે 2023 માં ગાંધીનગર મુકામે યોજાશે.