તાપી જિલ્લાના MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લેતા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આનંદ કુમાર (IRS)
(માહિતી બ્યુરો વ્યારા -તાપી). તા.0૮: આજરોજ તાપી જિલ્લાના MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આનંદ કુમાર (IRS) દ્વારા લેવામાં આવી હતી. ઓબ્ઝર્વરશ્રીએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે MCMC અને મીડિયા સેન્ટરની કામગીરી અંગે ચકાસણી કરી હતી. ઓબ્ઝર્વરશ્રીએ ઈલેક્ટ્રોનિક મીડિયા, ટીવી ચેનલ, કેબલ નેટવર્ક, પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણીકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે જરૂરી માર્ગદર્શન પુરું પાડીને વિશેષ સૂચનાઓ આપી હતી. MCMC અને મીડિયા સેન્ટરની કામગીરી અંગે MCMC ના નોડલ અને સહાયક માહિતી નિયામકશ્રી નિનેશ ભાભોરે ઓબઝર્વરશ્રીને બારીકાઈથી વિગતો આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અનુસંધાને ચૂંટણી ખર્ચને નિયંત્રણમાં રાખવા અને ખર્ચ અંગે મોનિટરીંગ કરવા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી આનંદ કુમાર (IRS)ની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે તાપી જિલ્લા સેવાસદન, પાનવાડી ખાતે બ્લોક નં.4ના બીજા માળે જિલ્લા માહિતી કચેરી ખાતે MCMC અને મીડિયા સેન્ટર કાર્યરત છે. તાપી જિલ્લાના પત્રકારોને ચૂંટણીલક્ષી માહિતી એક જ સ્થળ પરથી મળી રહે તે માટે આ મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમા આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી – ૨૦૨૨ની માહિતીઓ પોસ્ટર અને બેનરો દ્વારા દર્શાવવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં રાજકીય પક્ષો કે દરેક ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રમાણિકરણ અને મીડિયા પ્રમાણીકરણ માટે દેખરેખ સમિતીની રચના કરવામાં આવી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦