પાલ ગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શાળા ક્રમાંક 319 માં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત શહેરની પાલ ગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શાળા ક્રમાંક 319 નાં ત્રિવિધ કાર્યક્રમમાં મદદનીશ પોલીસ કમિશનરશ્રી ઝેડ.આર. દેસાઈ દ્વારા શાળાનાં તમામ બાળકોને અઢીસો ગ્રામ મીઠાઈનું પેકેટ અને એક ફુલઝરનું પેકેટ દિવાળી ગિફ્ટ તરીકે આપવામાં આવ્યું હતું. સજોડે શાળામાં પધારેલ દેસાઈ દંપત્તિએ વિદ્યાર્થીઓ સામે જીવનમાં હંમેશ એકબીજાને મદદરૂપ થઈ ખુશીને વહેંચતા રહીએ એવી ઉમદા ભાવના વ્યક્ત કરી હતી.
બુક્સ એન્ડ પેન ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરણ છ થી આઠનાં વિદ્યાર્થીઓને નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં પ્રતિનિધિ પ્રિતેશભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને તમે મોટા થઈ શું બનવા માંગો છો ? અને એ બનવા માટે તમે શું કરવા વિચાર્યું છે ? એવાં ધ્યેયલક્ષી પ્રશ્નો દ્વારા પ્રેરણાત્મક ચિંતનની દિશા બતાવવામાં આવી હતી.
વયનિવૃત્તિથી વિદાય થતાં શાળાનાં શિક્ષિકા કૈલાશબેન પટેલનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનો મહેશભાઈ પટેલ, ગફુરભાઈ, પૂર્વ શિક્ષિકાબહેનો હેમલતાબેન, ખુશ્બુબેન તથા શાળા ક્રમાંક 318 નાં આચાર્ય વિજયભાઈ અને અવનીબેન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળા પરિવાર તરફથી કૈલાશબેનનું સન્માન કરવામાં આવ્યું. સન્માનપત્રની સાથે સ્મૃતિભેટ અને શ્રીફળ આપીને એમને વિદાયમાન અપાયું. કૈલાસબેન સાથેનાં શાળાનાં સંસ્મરણો આચાર્ય પ્રકાશભાઈ પરમાર તથા મીતાબેને રજૂ કર્યા. જેમાં હંમેશા શાળા માટે સમય આપવા માટે કટિબંધ એવાં કૈલાશબેનનાં જવાથી શાળાને મોટી ખોટ પડશે એવું આચાર્યએ જણાવ્યું હતું.
અંતમાં અર્ચનાબેન અને નીમાબેન દ્વારા વિદાયગીત રજૂ કરવામાં આવ્યું. કૈલાશબેને પોતાનાં વિદાય પ્રતિભાવ આપતા શાળા પરિવાર સાથે જોડાયેલી લાગણીઓ વ્યક્ત કરી શાળાનાં સંસ્મરણો હંમેશા યાદ રહેશે એવી ભાવના વ્યક્ત કરી. ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા કૈલાસબેનનું નિવૃત્ત જીવન સુખમય અને નિરામય રીતે વીતે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાનાં શિક્ષિકા હેતલબેને કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *