સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા દોઢ વર્ષથી પતિથી અલગ રહેતી હિંસા પિડીત મહિલાનું સાસરીમાં પુન:સ્થાપન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, રાજપીપળા) : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ પુરસ્કૃત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર(OSC) લાલ ટાવર પાસે,પ્રાંત કચેરીની પાછળ, રાજપીપળા (નર્મદા) ખાતે ૨૪x૭ કલાક કાર્યરત રહે છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં હિંસા અસરગ્રસ્ત મહિલા/ કિશોરીઓને મુખ્ય પાંચ પ્રકારની સહાય એક જ છત હેઠળ નિ:શુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે જેમાં આશ્રય, પરામર્શ, મેડીકલ સહાય,પોલીસ સહાય,કાયદાકીય સહાય આપવામાં આવતી હોય છે.
હિંસા અસરગ્રસ્ત મહિલાઓ પોતાની સમસ્યાના નિવારણ અર્થે સેન્ટર ખાતે અવાર-નવાર આવતી હોય છે.તેવી જ રીતે તા.૨૬/૦૯/૨૦૨૨ના રોજ હિંસા અસરગ્રસ્ત મહિલા ગીતાબેન (નામ બદલેલ છે) સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવેલ હતા. ગીતાબેનનું પરામર્શ કરતાં જાણવા મળેલ કે ગામના કોઈ જાગૃત નાગરિક દ્વારા તેમને સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે માહિતી મળેલ.ગીતાબેનના લગ્ન સમાજના રીતિ-રીવાજ મુજબ સાત વર્ષ પહેલાં ખેડા જિલ્લા ખાતે થયા હતા.લગ્નજીવન થકી તેમને એક પુત્ર હતો. આ મહિલાના પતિને જુગાર રમવાની અને દારૂનું વ્યસન કરવાની કુટેવો હતી. આ કુટેવોના કારણે મહિલાના પતિએ ઘરમાં રહેલ સામાન વેચી નાખ્યો હતો. જેથી હિંસા અસરગ્રસ્ત આ મહિલા છેલ્લા દોઢ વર્ષથી પોતાના બાળક સાથે પિયરમાં નર્મદા ખાતે રહેતા હતા.
સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા મહિલાની સમસ્યા જાણ્યા બાદ સામાપક્ષને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવી તેમનુ પરામર્શ કરવામાં આવેલ. તેમજ OSCમાં આવતા મહિલા વકીલ દ્રારા કાયદાની સમજ આપવામાં આવેલ. જેથી સામાપક્ષે પોતાની ભૂલ સ્વીકારેલ. ત્યાર બાદ OSCની ટીમ દ્રારા બંને પક્ષને વડીલો સાથે OSCમાં બોલાવી બંન્ને પક્ષનું પરામર્શ કરી કાયદાની સમજ આપવામાં આવેલ. અને બંન્ને પક્ષનું સમાધાન કરી ગીતાબેન કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી પિયરમા પોતાના બાળક સાથે રહેતા હતા. તેમનું સાસરીમાં પુન:સ્થાપન કરવામાં આવેલ.
આમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ હિંસા અસરગ્રસ્ત મહિલાનું સુ:ખદ સમાધાન થતાં આ મહિલાએ તેમજ બંને પક્ષના વડીલોએ સખી વન સ્ટોપ સેન્ટર(નર્મદા)ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરેલ.