તાપી જિલ્લા સંકલન અને પુરવઠા સમિતિની બેઠક જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને યોજાઈ
તાપી જિલ્લો છેલ્લા એક વર્ષથી અનાજ વિતરણમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને રહેતા પુરવઠા વિભાગને અભિનંદન પાઠવતા જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી દવે
…………….
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.15: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલ તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.
આ પ્રસંગે બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓ, સરકારી નાણાની વસુલાત, એ.જી.ઓડીટ બાકી પેરાની માહિતી, કચેરીમાં આવતા પડતર કાગળોની સ્થિતી, પેન્શન કેસો અંગે વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ વિવિધ અમલીકરણ અધિકારીઓને દરેક કામમાં માનવતા દાખવી આગળ વધારવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સાથે પુરવઠા અધિકારીશ્રી સાગર મોવલીયાએ ઉપસ્થિત સૌ સભ્યોને પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી જેમાં વન નેશન વન રેશન યોજના, વેરીફાઇડ આધારની ટકાવારી સહિતની જાણકારી આપતા ઉમેર્યું હતું કે તાપી જિલ્લો છેલ્લા એક વર્ષથી અનાજ વિતરણમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને રહ્યો છે. આ બાબત માટે કલેક્ટરશ્રીએ પુરવઠા વિભાગને ખાસ અભિનંદન પાઠવી નિરંતર ઉચ્ચ કક્ષાની કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સાથે બેઠકમાં આગામી તા.20 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કલેક્ટરશ્રી દવેએ પાર્કીંગ, એંકરીંગ, વીવીઆઇપી તથા પ્રેસ મીડીયાની વ્યવસ્થા, લાભાર્થીઓને લાવવા લઇ જવાની બસ વ્યવસ્થા, નાગરિકોમાટે દરેક બસમાં ફર્સ્ટ એઇડકીટ, કંટ્રોલ રૂમ, ફુડ પેકેટ, સ્વચ્છતા જેવી બાબતો માઇક્રોપ્લાનીંગ સાથે પરીપુર્ણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે લાભાર્થીઓને કોઇ પણ અડચણ ના થાય તે મુજબનું સરળ આયોજન કરવા અધિકારીશ્રીઓને સુચનો કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ વડાપ્રધાનશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીના અભિયાનને ધ્યાને લેતા તાપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખાસ બેઠક વ્યવસ્થા ઉભી કરવા સુચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે તાલુકા મુજબ પાર્કીંગની વ્યવસ્થા, અધિકારીઓ માટે ખાસ પાર્કીંગની વ્યવસ્થા જેવી બાબતઓ અંગે કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
જિલ્લા પોલીસ અધિકક્ષશ્રી રાહુલ પટેલે કોઇ પણ નાગરિક કાળા રંગના કપડા કે કાળી ચિજ વસ્તુઓ લઇને ના આવે તથા લાભાર્થીઓ માટે સભાસ્થળે પાણી વ્યવવ્સ્થા હોઇ સાથે પાણી કે ફુડ પેકેટ ના લાવે તેની તકેદારી રાખવા સંબંધીત સમીતીઓને જાણકારી આપી હતી.
બેઠકમાં નાયબ વન સરક્ષકશ્રી આંનદ કુમાર, પ્રાયોજના વહિવટદાર સુશ્રી અંકિતા પરમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે વલવી, ન.પા.પ્રમુખ સેજલ રાણા, કા.પા.ઇ.શ્રી મનિષ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર. એચ. રાઠવા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000000000000