કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ તાપી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો
વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ગ્રામજનોના સંકલન સાથે તાપી જિલ્લાના તમામ પ્રશ્નોને ઉકેલવા માટે તેઓ હંમેશા કટીબધ્ધ હોવાની ભાવના વ્યક્ત કરતા : નવનિયુક્ત તાપી કલેકટર સુશ્રી ભાર્ગવી આર.દવે (IAS)
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૪- રાજ્યમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સનદી અધિકારીઓની બદલીઓ થતા આજરોજ નવા કલેકટર સુશ્રી ભાર્ગવી આર.દવે (IAS) એ તાપી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હતો. તાપી જિલ્લા પ્રભારી અને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા(IAS),પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવી,કાર્યપાલક ઈજનેર શ્રી મનીષ પટેલ,પ્રાંત અધિકારીશ્રીઓ આર.સી.પટેલ, જયકુમાર રાવલ,તમામ માલતદારશ્રીઓ, વ્યારાનગર પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, સંગઠન પ્રમુખ જયરામભાઈ ગામીત,મહામંત્રી વિક્રમ તરસાડિયા સહિત જિલ્લા પંચાયત પદાધિકારીશ્રીઓએ સુશ્રી દવેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તેઓ ગુજરાત લાઈવ્લી હુડ પ્રમોશન કું.લી. ગાંધીનગર ખાતે મેનેજીંગ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા હતા. ખાસ કરીને મહિલાઓની આજીવિકા,રોજગારી માટે શ્રેષ્ઠ કાર્ય કરીને તેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે લાજવાબ કામગીરી કરી છે.
નવરચિત તાપી જિલ્લાને વિકાસની હરોળમાં લઈ જવા માટે હજુ ઘણાંબધા ક્ષેત્રે અનેક કામો કરવા પડશે. ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ અનેક પડકારો વચ્ચે તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વિશિષ્ઠ કામગીરી કરવાની તક મળી છે ત્યારે વહીવટીતંત્રના અધિકારીઓ,પદાધિકારીઓ સહિત ગ્રામજનોના સંકલન સાથે તાપી જિલ્લાના તમામ પ્રશ્નોને ઉકેલવા માટે તેઓ હંમેશા કટીબધ્ધ રહેવાની ભાવના સુશ્રી દવેએ વ્યક્ત કરી હતી.
૦૦૦૦૦૦૦