તાપી જિલ્લામાં આગામી ૧૬ ઓક્ટોબરે લેવાનારી જીપીએસસીની પરીક્ષા અંગે કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયાના અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

Contact News Publisher

કલેક્ટરશ્રી એચ કે.વઢવાણીયાએ અમલીકરણ અધિકારીઓને તટસ્થ રીતે કામગીરી કરવા સૂચનો આપ્યા.

…..
રવિવારે સવારે ૧૧ થી ૧:૦૦ કલાક ૩૪ કેન્દ્રો પર ૭૮૧૬ ઉમેદવારો નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા આપશે
………
પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રહેશે
………

પરીક્ષાર્થીઓએ પ્રવેશપત્ર અવશ્ય લાવવાનું રહેશે: પરીક્ષા શરૂ થવાના ૩૦ મીનિટ પહેલા પ્રવેશ મેળવી લેવાનો રહેશે ૧૧ વાગ્યા બાદ પ્રવેશ મળશે નહીં
………

(માહિતી બ્યુરો, વ્યારા- તાપી) તા.૧૨ તાપી જિલ્લામાં આગામી ૧૬મી ઓક્ટોબરે ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની પરીક્ષા તાપી જિલ્લાના વ્યારા ઝોન પરથી તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૨ રવિવારે ૩૪ બિલ્ડીંગ ખાતે લેવાનાર છે. જેમાં ૮૭૧૬ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. પરીક્ષાનો સમયગાળો સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૧:૦૦ કલાક સુધીનો રહેશે. પરીક્ષાર્થીઓ પરીક્ષા સમયે કોઈ અડચણો ના અવરોધે તે માટે તથા શાંતિના માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તાજેતરમાં જિલ્લા કો-ઓર્ડીનેટર અને કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયાની અધ્યક્ષતામાં સાભાખંડ ખાતે પરીક્ષાલક્ષી બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ આનુસંગિક બાબતો આવરી લેવાઈ હતી. કલેકટરશ્રી દ્વારા પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્થ રીતે કરવાની સંબંધિત તમામ અધિકારીઓ/કર્મચારીઓને સૂચના આપી હતી.
તમામ પેટા પરીક્ષા કેન્દ્રો પર ભૌતિક સગવડો જેવી કે ફરજિયાત સી.સી.ટી.વી. કેમેરાની સગવડ, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા, મેડિકલ ટીમ ને મેડિકલ વાન સાથે ઉપલબ્ધ કરવી. આ પરીક્ષા સંદર્ભે કલેક્ટર કચેરીના સ્ટાફ, જિલ્લા તિજોરી કચેરીના સ્ટાફ (કન્ટ્રોલ રૂમ), જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના સ્ટાફ, જિલ્લા શિક્ષણાધિકારીના સ્ટાફ અને પરીક્ષા સ્થળો પર સ્થળ સંચાલકશ્રીઓ અને પરીક્ષા સ્થળનો તમામ સ્ટાફ,-ઝોનલ અધિકારીશ્રીઓ, આયોગના પ્રતિનિધિશ્રીઓ, તકેદારી સુપરવાઇઝરશ્રીઓ તરીકે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
પરીક્ષા સમય દર્મિયાન વિદ્યાર્થીઓ શાંતિપુર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે શકે તે માટે પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક, ડિજિટલ કે સ્માર્ટ ઉપકરણો અને બિન અધિકૃત સાહિત્યનો ઉપયોગ ન કરવા માટે કલેકટરશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળનું જાહેરનામું લાગું કરાશે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય લાવવા કે લઈ જવા માટે, સ્ટ્રોંગરૂમ/ઝોન કચેરી ખાતે, તેમજ પ્રત્યેક પરીક્ષા બિલ્ડીંગો પર સલામતી વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જરૂરિયાત મુજબનો પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવશે.
પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રીની અદ્યતન સૂચનાઓનું પાલન કરવામાં આવશે.પરીક્ષાર્થીએ પોતાનું પ્રવેશપત્ર અચૂક સાથે લાવવાનું રહેશે. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૩૦ મીનિટ પહેલા પ્રવેશ મેળવી લેવાનો રહેશે.૧૧:૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં.

0000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other