શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના રજત મહોત્સવમાં હોંશભેર સામેલ થતાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ સંસ્થાપિત વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તેની મંગળ સ્થાપનાના ૨૫ ગૌરવવંતા વર્ષો પૂર્ણ કરી રહ્યું છે . તેના રજત મહોત્સવની ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલ સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ , ધરમપુરમાં તા . ૨૯મી ડિસેમ્બર થી ૧લી જાન્યુઆરી સુધી ધર્મોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે ! આ મહોત્સવના પ્રથમ દિવસે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રત્યે પોતાની શુભકામનાઓ દર્શાવતાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ ઉજવણીઓમાં સહભાગી થયા હતા . માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં આવી સૌ પ્રથમ તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીના ચરણનો પક્ષાલ કરી , ક્રેન પરથી પ્રતિમાજી પર પુષ્પવૃષ્ટિ કરી શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યેનો તેમનો પૂજ્યભાવ વ્યક્ત કર્યો હતો . આશ્રમમાં ઘણું જ વિકાસકાર્ય થઈ રહ્યું છે , જે તેમણે આશ્રમની એક ટુર કરી નિહાળ્યું હતું , જેમ કે નૂતન જિનમંદિર , આવાસો અને નિર્માણાધીન ૨૫૦ બેડની શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ . આ સમગ્ર કાર્ય જોઈ તેઓ ખૂબ સંતોષ પામ્યા હતા . ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રી સાથે તેઓએ બપોરના બી . એ . પી . એસ . સંસ્થાના પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામીના પ્રવચનના કાર્યક્રમમાં હાજરી આપી હતી . તેમણે અહીં વિશ્વભરમાંથી રજત મહોત્સવ ઉજવવા આવેલ આશરે દસ હજાર લોકો સમક્ષ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની સાધના અને સેવાની પ્રવૃત્તિઓની સરાહના કરતું પોતાનું વ્યકતવ્ય આપ્યું હતું . શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું સ્ટેટમેન્ટ છે : ‘ પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો . ’ આ સ્ટેટમેન્ટને ચરિતાર્થ કરતાં સ્વમંગલ અને સર્વમંગલની અનેકાનેક પ્રવૃત્તિઓ મિશન દ્વારા કરવામાં આવી રહી છે . સાધના અને સેવાની આ યાત્રામાં લાખો લોકો જોડાયા છે . સાધના થકી સ્વમંગલ સાધવા શ્રીમદ્ રાજચંદ્ આશ્રમ , ધમરપુરમાં સત્સંગ શિબિરો , ધ્યાન શિબિરો વગેરેનું નિયમિતપણે આયોજન થાય છે . વિશ્વભરમાં ૧૦૮ સત્સંગ કેન્દ્રો , બાળકોમાં મૂલ્યો અને સ્વવિકાસની પ્રેરણા આપતાં ‘ શ્રીમદ્ રાજચંદ્ર ડિવાઈનટચના ૨૫૧ વર્ગો અને ૯૨ યુથ ગ્રુપ્સ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે સ્વમંગલની સાધનાના ૨૫ સુવર્ણ વર્ષોમાં અનેકાનેક લોકોને આત્મકલ્યાણના માર્ગે પ્રેર્યા છે . સર્વમંગલ અર્થે પૂજ્ય ગુરુદેવશ્રી સકળ જીવરાશિ પ્રત્યેના પ્રેમનાં બીજ રોપી , તેને પોષણ આપી રહ્યા છે . વિશ્વભરમાં ‘ શ્રીમદ્ રાજચંદ્ર લવ ઍન્ડ કેર ” દ્વારા ૭૫થી વધુ સેવા પ્રોજેક્ટસ કાર્યરત છે . જેમાં ૭૫ બેડની શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ , વિકલાંગ કેન્દ્ર , શાળાઓ , વિજ્ઞાન પ્રવાહની કોલેજ , એનિમલ મેડિકલ કેમ્પ , એનિમલ નર્સિંગ હોમ , વૃક્ષારોપણ વગેરે મુખ્ય છે . આમ સર્વમંગલના આ મંગળકારી ૨૫ વર્ષોમાં લાખો જીવો સહાય , શાતા અને સેવા પામ્યા છે ! આમ પોતાના ૨૫ સુવર્ણવર્ષો દરમિયાન લાખો લોકોના જીવનમાં અધ્યાત્મ , પ્રેમ , આનંદ અને કાળજીનો પ્રકાશ રેલાવતું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર મહા – અભિયાન બની વિશ્વને વધુ સુંદર અને પ્રકાશમય બનાવી રહ્યું છે !
મુખ્યમંત્રીશ્રીના મિશન સાથે ગાઢ સંબંધો રહ્યા છે અને વખતોવખત મિશનના વિવિધ પ્રસંગોમાં ઉપસ્થિત રહે છે . મિશનના કાર્યોમાં તેમનો હંમેશ સહકાર અને સહયોગ રહ્યો છે . રજત મહોત્સવના મંગળ અવસરે ઉપસ્થિત રહી તેમણે શ્રીમદ્ રાજચંદ્રજી અને પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેનો પોતાનો આદરભાવ દર્શાવ્યો અને મિશનના શુભચિંતક તરીકે આવનારા વધુ કલ્યાણકારી વર્ષો માટેની શુભેચ્છાઓ આપી !