વ્યારાની ફાયર બ્રિગેડ ટીમની સક્રિય કામગીરીથી એક બહેનને નવજીવન મળ્યું

સમાજની સેવા અને સુરક્ષા માટે સમર્પિત ટીમ વ્યારાની ‘ફાયરબ્રિગેડ’
….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૮ :- તાપી જિલ્લાની ફાયરબ્રિગેડની ટીમે ફરી એક વાર સાબિત કરી બતાવ્યું છે કે તેઓની નિષ્ઠાપૂર્વક કામગીરીની તુલના કોઈની સાથે કરવી ઉચિત નથી. આર્મી અને પોલીસના જવાનોની જેમ જ તેઓ પણ સમાજના લોકોની સુરક્ષા માટે ખડેપગ છે. વ્યારા શહેરમાં ગતરોજ સાંજે 6.00 કલાકે અમરવિલા સોસાયટી, સિંગી ફળિયા પાસે આવેલ તળાવમાં અંદાજે ૭૦ વર્ષીય એક અજાણ્યા બહેન પાણીમાં ડૂબી રહેલ હોવાના અહેવાલ મળતાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમે બાતમીને ગંભીરતાપૂર્વક લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ડૂબી રહેલ બહેનને સલામત રીતે બહાર કાઢી સિવિલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વ્યારાની ફાયર બ્રિગેડ ટીમની સક્રિય કામગીરીના લીધે એક બહેનને નવજીવન મળ્યું છે.
વધુમાં ફાયર સ્ટાફ હોસ્પિટલમાં પણ ખડે પગે રહી આ અજાણ્યા બહેનની પડખે ઉભો રહ્યો હતો. જે બાદ સમાજની સેવા અને સુરક્ષા માટે સમર્પિત વ્યારાની ફાયરબ્રિગેડ ટીમના ફાયર ઓફિસર નારણભાઇ બંધીયાએ પણ પોતાના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.
૦૦૦૦૦