રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઓનલાઇન અરજીઓ મંગાવાઇ
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.04 રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા.૧૭/૧૦/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન ડાંગર માટે ૯૮, મકાઇ માટે ૬૭ અને બાજરી માટે ૮૯ જેટલા ગુ.રા.ના.પુ.નિ.લી.ના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ।.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ।.૨૦૬૦/- પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂ।.૧૯૬૨/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ।.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનીકે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ. મારફત તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે. જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવમાં આવે છે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮ – અ ની નકલ, નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાસુફ તથા ચારણો કરી તેમજ તેમા ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે, જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવા તથા રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદન અંગેનો કોઇ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી તેમ નાયબ જિલ્લા મેનેજર,તાપીની યાદીમાં જણાવેલ છે.
૦૦૦૦૦૦