“ભુલકા મેળો-2022”-તાપી : વ્યારા સ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સુરત ઝોન કક્ષાનો “ભુલકા મેળો-2022” યોજાયો
પ્રદર્શનના માધ્યમથી રજુ કરેલ ટીચીંગ લર્નીંગ પ્રદર્શનોને શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા
…………..
બાળ કલાકારો દ્વારા સ્વાગત નૃત્ય, આદિવાસી નૃત્ય અને વેશભુષામાં વિવિધ પરિધાન ધારણ કરી પોતાની આગવી કલાથી સૌને મંત્રમુગ્ધ કર્યા
…………..
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.27 આઇ.સી.ડી.એસ નાયબ નિયામક સુરત ઝોન તથા જિલ્લા પંચાયત તાપીના સંયુક્ત ઉપક્રમે સુરત ઝોન કક્ષાનો “ભુલકા મેળો-2022”નું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક સ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આઇ.સી.ડી.એસ નાયબ નિયામક સુરત દિશા ડોડિયાના અધ્યક્ષસ્થાને તથા ન.પા.પ્રમુખ સેજલ રાણા, વ્યારા તાલુકા પ્રમુખ જસુબેન ગામીત સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી આઇ.સી.ડી.એસ નાયબ નિયામક સુરત દિશા ડોડિયાએ સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, અભિમન્યુ જેમ દરેક બાળક માતાના પેટમાંથી જ વિવિધ કળાઓ શિખી શકે છે. બાળકને નાનપણથી જ વિવિધ બાબતો સાથે સંલગ્ન કરવાથી અને તેને વિવિધ પ્રવતિઓમાં વ્યસ્ત રાખવાથી તેની બૌધિક ક્ષમતામાં વધારો થાય છે. નાની-નાની પ્રવૃતિઓથી મનના એક-એક ઇન્દ્રિયનો વિકાસ થાય છે. તેમણે આજના સુચારૂ આયોજન અને વિવિધ સ્પર્ધાઓમાં ભૂલકાઓને તૈયાર કરવા પાછડની મહેનત માટે આંગણવાડીના બહેનોની ખુબ સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.
ન.પા.પ્રમુખ સેજલ રાણાએ આ પ્રસંગે સૌને ઉત્સાહપુર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડીમાં સંસ્કારો સાથે પોષણનું સિંચન થાય છે એમ ઉમેર્યું હતું. આ સાથે તેમણે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય આંગણવાડીની બહેનો દ્વારા થાય છે જેના માટે તેઓની જવાબદારીને બીરદાવી હતી.
વ્યારા તાલુકા પ્રમુખ જશુબેન ગામીતે આજના કાર્યક્રમનો તમામ શ્રેય આંગણવાડીની બહેનોને આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાનું આઇસીડીએસ વિભાગ અને તેમાં કાર્યરત આંગણવાડીની હેલ્પર અને વર્કર બહેનોએ ખુબ જ સારી કામગીરી કરી છે. નાના ભૂલકાઓને વિવિધ સ્પર્ધા અને નૃત્ય માટે કેટલા દિવસોની મહેનત છે. જે આજે ફળી છે. નાના બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ કૃતિઓ થકી આજનો કાર્યક્રમ સફળ થયો છે. તેમણે સૌ બહેનોને આવી જ અવનવી પ્રવૃતિઓ દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાની કામગીરી કરતા રહેવાની જવાબદારીને બખુબી નિભાવવા સરાહના કરી હતી.
આ પ્રસંગે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન હોલ ખાતે દક્ષિણ જિલ્લાના તાપી, સુરત, નર્મદા, વલસાડ, ડાંગ, ભરૂચ,અને નવસારી જિલ્લામાંથી ઉપસ્થિત આઇ.સી.ડી.એસ વિભાગના તમામ પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ અને સી.ડી.પી.ઓશ્રીઓ દ્વારા પ્રદર્શનના માધ્યમથી રજુ કરેલ ટીચીંગ લર્નીંગ પ્રદર્શનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે નવસારી જિલ્લો, બીજા ક્રમે ડાંગ જિલ્લો અને ત્રીજા ક્રમે સુરત ગ્રામ્ય અને વલસાડ જિલ્લો રહ્યા હતા. આ સાથે તાપી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં સોનગઢ ઘટક-2, બીજા ક્રમે સોનગઢ ઘટક-1 અને ત્રીજા ક્રમે વ્યારા ઘટક-1 આંગણવાડીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમમાં ખાસ બાળ કલાકારો દ્વારા સ્વાગત નૃત્ય, આદિવાસી નૃત્ય રજુ કરી સૌને મનમોહિત કર્યા હતા. આ સાથે વેશભુષામાં વિવિધ પરિધાન ધારણ કરી બાળકોએ પોતાની આગવી કલાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે અને આભાર દર્શન સોનગઢ સીડીપીઓ જશ્મીના ચૌધરીએ કર્યું હતું.
0000000000